9/11 Anniversary: અને એ દિવસે દુનિયાની મહાસત્તા હચમચી ગઈ હતી….
ન્યૂ યોર્કઃ 9 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાને આખી દુનિયા 9/11 આતંકવાદી હુમલાના નામથી જાણે છે. આજે એ હુમલાને પૂરા 22 વર્ષ થયા છે. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક હતો.
2001માં ન્યૂ યોર્ક અને વોશિંગ્ટન ડીસી પર એરલાઇન હાઈજેક કરીને આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. આ આત્મઘાતી હુમલાઓથી અમેરિકા જ નહીં, સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. આ ભયાનક આતંકવાદી હુમલામાં લગભગ 3,000 લોકો માર્યા ગયા હતા. અમેરિકામાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ખાલિદ શેખ મોહમ્મદને માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
11મી સપ્ટેમ્બરના આતંકવાદી હુમલાને અમેરિકાની ધરતી પર 1941માં પર્લ હાર્બરના બોમ્બમારા પછીનો સૌથી હિંસક હુમલો માનવામાં આવે છે, ત્યારબાદ અમેરિકાને બીજા વિશ્વ યુદ્ધમાં ઉતરવાની નોબત આવી હતી. 11 સપ્ટેમ્બર 2001ના રોજ શું થયું અને આતંકવાદીઓની શું યોજના હતી એના અંગે વિગતે જાણીએ તો એ દિવસે અલ કાઈદાના આતંકવાદીઓએ 4 ફ્લાઈટને હાઈજેક કરી હતી.
આત્મઘાતી હુમલો કરવાનો તેમનો હેતુ હતો. અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ સૌથી પહેલા ક્રેશ કરી હતી. હાઇજેક કરાયેલું આ પ્લેન સવારે 8.46 વાગ્યે ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે ટકરાયું હતું. બરાબર 17 મિનિટ પછી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ સાઉથ ટાવર સાથે ટકરાઈ હતી, ત્યાર બાદ સવારે 9.37 કલાકે અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ વોશિંગ્ટનમાં યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોન સાથે ટકરાઈ હતી. આ પછી ચોથી ફ્લાઇટ પેન્સિલવેનિયાના શેન્કસવિલેના મેદાનોમાં પડી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર તેનું નિશાન વ્હાઇટ હાઉસ અથવા યુએસ કેપિટોલ બિલ્ડિંગ હતું, પરંતુ પ્રવાસીઓની લડાઈમાં આતંકવાદીઓએ ફ્લાઈટ પરનો નિયંત્રણ ગુમાવી દીધો હતો. આ હુમલો એટલો બધો ભયંકર હતો કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઘણા દિવસો સુધી સળગતું રહ્યું હતું.
આ હુમલાના માસ્ટરમાઈન્ડ અંગે જાણવા મળ્યું હતું કે ખાલિદ મોહમ્મદ શેખ નેવુંના દાયકામાં ડઝનબંધ વિમાનો દ્વારા અમેરિકા પર હુમલો કરવા માંગતો હતો, પરંતુ યોજના નિષ્ફળ રહી હતી. આ પછી તેણે આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે હાથ મિલાવ્યા અને 9/11ના હુમલો કર્યો હતો. 9/11ના હુમલાની ભયાનકતાની કલ્પના એ વાત પરથી કરી શકો છો કે આ આતંકવાદી હુમલાના પીડિતોની ઓળખ ઘટનાના 22 વર્ષ પછી પણ થઈ રહી છે. તાજેતરમાં બે નવા પીડિતોની ઓળખ કરવામાં આવી હતી, જેમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થયો છે. આ બંને 9/11ના આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આતંકવાદી સંગઠન અલ કાઈદાના ચીફ ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના હુમલા માટે ફંડિંગ કર્યું હતું. લાદેન મૂળ તો સાઉદી અરેબિયાનો નાગરિક હતો અને અફઘાનિસ્તાનમાં રહીને આતંકવાદી સંગઠન ચલાવતો હતો. 9/11ના હુમલાના 8 વર્ષ પહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો. કારમાં થયેલા વિસ્ફોટમાં છ લોકોના મોત થયા હતા, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા.