ટોપ ન્યૂઝનેશનલ

Delhi Rain: દિલ્હી થયું પાણી પાણી, 88 વર્ષનો રેકોર્ડ તુટ્યો, અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત

નવી દિલ્હી: વરસાદને કારણે દિલ્હી(Delhi)ના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, પરતું ધોધમાર પડેલા વરસાદે બીજી સમસ્યાઓ ઉભી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સતત ત્રણ કલાકથી વધુ વરસાદના કારણે જૂન મહિનામાં સૌથી વધુ વરસાદનો 88 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા છે.

વરસાદને કારણે દિલ્હી NCRના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને MCD, NDMC, DDA, PWD અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડની તમામ તૈયારીઓ સાંબેલાધાર વરસાદને કારણે નકામી થઈ ગઈ હતી.

| વરસાદને કારણે દિલ્હીમાં બનેલી દુર્ઘટના: |

• ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના ટર્મિનલ 1 ની છતનો એક ભાગ ત્યાં પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેમાં એક કેબ ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું અને અન્ય છ ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ વિમાનોનું સંચાલન સ્થગિત કરવું પડ્યું હતું.

• રોહિણીના પ્રેમ નગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી 39 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.

• શાહદરાના ન્યુ ઉસ્માનપુર વિસ્તારમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે.

• ઉત્તર-પશ્ચિમ દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી 20 વર્ષીય યુવાનનું મોત થયું હતું.

• વસંત વિહારમાં સવારે એક નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતાં ત્રણ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા.

| Also Read: Delhi Airport પર ટર્મિનલની છત પડતા 6 લોકો ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા

હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં વર્ષ 1936 પછી છેલ્લા 88 વર્ષમાં જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જયારે 1901થી 2024ના સમયગાળામાં આ બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.

ચોમાસાના પહેલા વરસાદમાં દિલ્હીના વિવિધ પોશ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં લ્યુટિયન્સ દિલ્હીનો પણ સમાવેશ થાય છે. જ્યાં અનેક પ્રધાનો અને સાંસદોના રહેઠાણ છે. ભારે વરસાદ બાદ પાણી ભરાવાને કારણે સાંસદોને સંસદમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હીના જળ પ્રધાન આતિશી, કોંગ્રેસના શશિ થરૂર અને મનીષ તિવારી અને સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ સહિત અનેક સાંસદોના બંગલા ડૂબી ગયા હતા.

વરસાદને કારણે પ્રગતિ મેદાનની ટનલ બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વારકા અંડરપાસ, મિન્ટો રોડ, મૂળચંદ, લ્યુટિયન્સ દિલ્હી, હૌઝ ખાસ, સાઉથ એક્સ્ટેંશન અને મયુર વિહાર જેવા પોશ વિસ્તારો સહિત શહેરભરના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.

સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં શુક્રવારે સવારે 8.30 વાગ્યા પહેલાના 24 કલાકમાં 228.1 મીમી વરસાદ નોંધાયો હતો, જે જૂનના સરેરાશ 74.1 મીમી વરસાદ કરતાં ત્રણ ગણો વધુ છે. 1936 પછી 88 વર્ષમાં આ મહિનામાં આ સૌથી વધુ વરસાદ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button