ખુશખબરઃ મોંઘવારીમાં ઘટાડાનો તખતો તૈયાર, 90 ટકા વસ્તુ પર GST 10 ટકા ઘટશે...
નેશનલ

ખુશખબરઃ મોંઘવારીમાં ઘટાડાનો તખતો તૈયાર, 90 ટકા વસ્તુ પર GST 10 ટકા ઘટશે…

નવી દિલ્હી: આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકો માટે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં નવો સુધારો કરવાની જાહેરાત કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે આ સુધારાથી રોજિંદા જીવનમાં ઉપયોગી થતી વસ્તુઓ સસ્તી થઈ જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતને લઈને કેન્દ્રએ હવે GSTના સ્લેબમાં ઘટાડાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં લગભગ 90 ટકા વસ્તુ પર દસ ટકા સુધી જીએસટી ઘટાડવામાં આવશે.

GSTના સ્લેબમાં થશે કેવો ફેરફાર
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ GSTના માત્ર બે સ્લેબ 5 ટકા અને 18 ટકા યથાવત રાખવામાં આવશે. એવો કેન્દ્ર દ્વારા પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ GSTના 28 ટકાના સ્લેબમાં આવનારી 90 ટકા વસ્તુને 18 ટકાના સ્લેબમાં સમાવવામાં આવશે.

અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે
કેન્દ્રના આ પ્રસ્તાવના કારણે કાર, બાઈક, એસી, રેફ્રિજરેટર જેવી વસ્તુઓના ભાવ ઘટી શકે છે. તેથી આ નિર્ણય લોકોને મોંઘવારીમાં રાહત આપશે. આ સાથે ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય પણ પૂરૂ થશે.

એક તરફ ઓગસ્ટ મહિનાથી અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે. એવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

આઠ વર્ષ બાદ GST સ્લેબમાં આવશે બદલાવ
ભારતમાં GST લાગુ થયાના આઠ વર્ષ બાદ તેના સ્લેબમાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે. 79માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે દિવાળી પર જીએસટીમાં સુધારો કરવામાં આવશે. જેના કારણે સામાન્ય જનતા એટલે કે મધ્યમ વર્ગના લોકોને જીએસટીમાં મોટી રાહત આપવામાં આવશે.

આ પણ વાંચો…જુલાઈમાં ગુજરાતની GST આવકમાં 15 ટકા વધી, 10,381 કરોડની રેકોર્ડ આવક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button