અયોધ્યાની હોટલોમાં એક રાતનું ભાડું 70 હજાર, હોટલો-રેસ્ટોરાં/ એરલાઇન્સ ચલાવનારા લોકોને તડાકો
ઉત્તરપ્રદેશ: ભગવાન રામની નગરી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવેથી બરાબર એક મહિના બાદ એટલે કે આગામી 22 જાન્યુઆરીએ અહીં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમનો ભાગ બનવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે, જેને પગલે અયોધ્યાની હોટલોના ભાડાંમાં ઘણો ઉછાળો જોવા મળી રહ્યો છે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 22 જાન્યુઆરીએ અંદાજે 3થી 5 લાખ લોકો ઉપસ્થિત રહી શકે છે. અયોધ્યાની જે હોટલો રહેવા-ખાવાની સુવિધા પૂરી પાડે છે તેમાંથી મોટાભાગની હાઉસફૂલ છે, તો બીજી બાજુ જ્યાં રૂમ ઉપલબ્ધ છે તેના ભાડાં આકાશને આંબી રહ્યા છે. હોટલો-રેસ્ટોરાંનો બિઝનેસ ચલાવનારાને તડાકો પડી જવાનો છે. રેડિસન બ્લુ તથા તાજ જેવી ફાઇવસ્ટાર હોટલ ચેઇન્સના માલિકો અયોધ્યામાં પણ પોતાનો બિઝનેસ વિસ્તારવા અંગે વિચારી રહ્યા છે. હોટલ બુકિંગની વેબસાઇટો પર હોટલની યાદીમાં ભાડાંનાં આંકડા રોકેટ ગતિએ વધી રહ્યા છે.
વર્ષો બાદ જ્યારે અયોધ્યાના આંગણે આનંદનો અવસર આવ્યો છે ત્યારે હોટલ વ્યવસાય ઉપરાંત ફ્લાઇટ સેવા-ટ્રેન-બસ સેવા પણ આ જ સ્થિતિ દર્શાવી રહી છે.
વિમાન કંપની ઇન્ડિગો અમદાવાદથી અયોધ્યાની તથા દિલ્હીથી અયોધ્યાની સીધી ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહી છે. 30 ડિસેમ્બરે ઉદ્ઘાટન બાદ 6 જાન્યુઆરીથી અયોધ્યા માટે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ થઇ જશે. આ ઉપરાંત એર ઇન્ડિયા પણ દિલ્હીથી અયોધ્યા માટે ફ્લાઇટ શરૂ કરવા જઇ રહી છે. 30 ડિસેમ્બરે પહેલી ફ્લાઇટ મળશે અને 16 જાન્યુઆરીથી આ રૂટ પર રેગ્યુલર ફ્લાઇટ સેવાઓ મળશે.