કોલકાતામાં સાત મહિનાની બાળકીનું અપહરણ અને બળાત્કાર
કોલકાતાઃ કોલકાતાના બડતલ્લા વિસ્તારમાં સાત મહિનાની માસૂમ બાળકી સાથે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટના 30 નવેમ્બરની છે. પીડિત બાળકી જ્યારે તેના માતા-પિતા સાથે ફૂટપાથ પર સૂતી હતી, ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાળકીને ગંભીર હાલતમાં છોડીને આરોપી ફરાર થઇ ગયો હતો. બાળકીને આરજી કાર મેડિકલ કોલેજ હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં દાખલ કરવામાં આવી છે. આરજી કાર રેપ કેસના લગભગ ચાર મહિના પછી બનેલી આ ઘટનાએ હોબાળો મચાવ્યો છે.
પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના વિ્તારના સીસીટીવી ફૂટેજના પુરાવાના આધારે ડઝનેક શકમંદ લોકોની પૂછપરછ કરી હતી અને બાદમાં ગુરુવારે વહેલી સવારે ઝારગ્રામ જિલ્લાના ગોપીબલ્લવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મુખ્ય આરોપી રાજીવ ઘોષની ધરપકડ કરી હતી. પોલીસ આ જઘન્ય કૃત્યમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતાઓ શોધી રહી છે
આ પણ વાંચો : કોલકાતા રેપ-મર્ડર: સંજયની બૂમોથી હવે કશું ના થાય
ઘટનાની વિગત મુજબ 30 નવેમ્બરના રોજ બપોરના 1.45 વાગ્યાની આસપાસ, બર્ટોલાના રહેવાસીએ તેના ઘરની સામે ફૂટપાથ પર શિશુને રડતું જોયું હતું. તેની આસપાસ કોઈ નહોતું. તેણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોતાની બાળકીને શોધવામાં નિષ્ફળ જતાં તેના માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે બાળકીને ઓળખી બતાવી હતી. બાળકીની હાલત નાજુક હોવાથી તેને તુરંત આરજી કાર હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર અનેક ઈજાઓ અને તેના આખા શરીર પર ઉઝરડા જોવા મળ્યા હતા. તેનું જાતીય શોષણ થયું હોવાનું માનવામાં આવે છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટનાએ રાજ્યમાં મહિલા અને બાળ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વિપક્ષે સરકાર પર બેદરકારી અને કાયદો અને વ્યવસ્થા બગડવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, પોલીસે ખાતરી આપી છે કે ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.