ભ્રષ્ટાચાર મુક્તના દાવાઓ વચ્ચે 66% વ્યવસાયોએ સરકારી સેવા માટે આપી લાંચ: રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી: ભ્રષ્ટાચારને અંકુશમાં લેવાના અને સરકારી વ્યવસ્થાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા હોવાના દાવાઓ વચ્ચે એક સર્વેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 66% વ્યવસાયોએ સરકારી સેવાઓ મેળવવા માટે લાંચ આપી છે. અહેવાલ અનુસાર તેમણે સપ્લાયર તરીકે સફળ થવા, ક્વોટેશન અને ઓર્ડરને સુરક્ષિત કરવા અને ચૂકવણી એકત્રિત કરવા માટે લાંચ આપી હતી.
આ પણ વાંચો: હાઈ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેના જામીન મંજૂર કર્યા…
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે “જેમ કે ઘણા વ્યવસાયો નામ આપ્યા વિના ખાતરી આપી છે કે , સરકારી વિભાગોમાં પરમિટ અથવા પાલન પ્રક્રિયાને ઝડપી બનાવવા ઇચ્છતા હોય ત્યારે લાંચ એ સામાન્ય બાબત કે એક માર્ગ બની જાય છે. સરકારી વિભાગો પાસેથી લાઇસન્સની ડુપ્લિકેટ નકલ અથવા મિલકતની બાબતો સાથે સંબંધિત કંઈપણ મેળવવાનું હોય ત્યારે પણ લાંચ આપ્યા વિના છૂટકો નથી. સર્વેક્ષણમાં છેલ્લા 12 મહિનામાં 66 ટકા વ્યવસાયો લાંચ ચૂકવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ફાયર વિભાગ છે કે ભ્રષ્ટાચારી વિભાગ?
54 ટકા લોકોને ફરજિયાત આપવી પડી લાંચ
ઓનલાઈન પ્લેટફોર્મ લોકલક્રિકલ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 159 જિલ્લાઓમાં સર્વેક્ષણ કરાયેલ લગભગ 66 ટકા બિઝનેસ કંપનીઓએ સ્વીકાર્યું છે કે તેઓએ છેલ્લા 12 મહિનામાં લાંચ આપી છે. આ સર્વેક્ષણ દરમિયાન 18,000 લોકો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. જેમાંથી 54 ટકા જેટલા લોકોને લાંચ આપવાની ફરજિયાત ફરજ પડી હતી, જ્યારે 46 ટકા લોકોએ ઝડપી કામગીરી પૂર્ણ થાય તે માટે સ્વેચ્છાએ આપી હતી.
75 ટકા લાંચ સરકારી વિભાગોમાં
આ સર્વે 22 મેથી 30 નવેમ્બરની વચ્ચે કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આપવામાં આવેલી કુલ લાંચમાંથી 75 ટકા સરકારી વિભાગો જેમ કે કાનૂની, મેટ્રોલોજી, ફૂડ, ડ્રગ, આરોગ્ય વગેરેના અધિકારીઓને આપવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું છે કે ઘણા લોકોએ GST અધિકારીઓએ, પ્રદૂષણ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાવર વિભાગને લાંચ આપી હોવાનું પણ જણાવ્યું છે.