OMG: આ દેશના શહેરમાં જ્યારે દારૂની નદી વહેવા લાગી ત્યારે, આ થયું!
પ્રશાસન થઈ ગયું દોડતું અને વીડિયો વાઇરલ
લિસ્બન: પોર્ટુગલના જાણીતા શહેર સાઓ લોરેનો ડી બાયરોની શેરીઓમાં અચાનક દારૂ વહેવા લાગ્યો ત્યારે પ્રશાસનની ઊંઘ હરામ થઇ ગઇ હતી. દારૂનો પ્રવાહ એટલો ઝડપી હતો કે જાણે રસ્તા પર દારૂની નદી વહી રહી હોય. ઘણા લોકોના ઘરોના ભોંયરાઓ પણ રેડ વાઇનથી ભરાઈ ગયા હતા.
પોર્ટુગલના શહેર સાઓ લોરેનો ડી બૈરો એક વિચિત્ર ઘટનાનું રવિવારે સાક્ષી બન્યું હતું. અચાનક રસ્તા પર દારૂ વહેતો જોવા મળ્યો બાદ સ્થાનિક લોકો ચોંકી ગયા હતા. શેરીઓ, રોડ પર “રેડ વાઇન”ની નદી વહેતી જોઈને લોકો દંગ રહી ગયા હતા અને વીડિયો બનાવવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રેડ વાઈન રસ્તા પર નદીની જેમ વહેતો જોવા મળ્યો હતો. આ પ્રવાહ એટલો જોરદાર જોવા મળી રહ્યો હતો કે ઘણા રહેવાસી ઘરોના ભોંયરાઓ પણ (રેડ વાઈનથી) ભરાઈ ગયા હતા.
આ મુદ્દે પ્રાથમિક માહિતીમાં એવું જાણવા મળ્યું હતું કે શહેરની નજીક એક હિલ પર 22 લાખ લિટરથી વધુ રેડ વાઇનનો સંગ્રહ કરતી ટાંકી ફાટ્યા પછી લાખો લિટર રેડ વાઇન સાઓ લોરેનો ડી બાયરોની શેરીઓમાં વહેવા લાગ્યો હતો. આ શહેરની વસ્તી 2,000 લોકો જેટલી છે. આ વાઇનના પ્રવાહે શહેરમાં મોટી સમસ્યાઓ ઊભી કરી હતી, કારણ કે તે નજીકમાં વહેતી શર્તિમા નદી તરફ ઝડપથી આગળ વધવા લાગ્યો હતો.
ઘટનાની માહિતી મળતાં ફાયર બ્રિગેડ વિભાગે શેરીમાથી વહી રહેલા દારૂનો પ્રવાહ નદીમાં ફેરવાય તે પહેલા કાર્યવાહી શરૂ કરી હતી. રેડ વાઇનનો પ્રવાહ નજીકના ફાર્મ તરફ વાળી દેવામાં આવ્યો હતો. આ ઘટના માટે જવાબદાર લિકર કંપનીએ માફી માંગી હતી અને નુકસાન અને સમારકામના ખર્ચની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. આ બનાવથી આસપાસના દેશો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.