લખનઉમાં 100 સેકન્ડમાં જ ઝીંકી દીધી 60 થપ્પડ…. વીડિયો જોઈને તમે પણ ચોંકી ઊઠશો | મુંબઈ સમાચાર
નેશનલ

લખનઉમાં 100 સેકન્ડમાં જ ઝીંકી દીધી 60 થપ્પડ…. વીડિયો જોઈને તમે પણ ચોંકી ઊઠશો

લખનઉ: લખનઉની એમિટી યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કાયદાના બીજા વર્ષના એક વિદ્યાર્થીને તેના સાથીઓએ યુનિવર્સિટીના પાર્કિંગમાં કારની અંદર કથિત રીતે 50-60 થપ્પડ ઝીંકી દીધા હતા. આ ઘટના 26 ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે પીડિત શિખર મુકેશ કેસરવાની તેની એક મિત્ર સાથે કોલેજ આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

પીડિત શિખરના પિતા મુકેશ કેસરવાનીની ફરિયાદના આધારે પોલીસે 5 વિદ્યાર્થીઓ – આયુષ યાદવ, જાહ્નવી મિશ્રા, મિલય બેનર્જી, વિવેક સિંહ અને આર્યમન શુક્લા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં આપેલી વિગતો અનુસાર, તેમનો દીકરો, જે બી.એ. એલ.એલ.બી.નો વિદ્યાર્થી છે, આ ઘટનાથી આઘાતમાં છે અને હવે કોલેજ જઈ રહ્યો નથી.

પીડિતના પિતાએ જણાવ્યું હતું કે, 26 ઓગસ્ટે તેમનો દીકરો કોલેજ જઈ રહ્યો હતો ત્યારે તેની એક મિત્ર સૌમ્યા સિંહ યાદવ તેને હનહેમન ચાર રસ્તેથી પોતાની ગાડીમાં લઈ ગઈ હતી. યુનિવર્સિટીના કેમ્પસના પાર્કિંગમાં પહોંચતા જ આરોપી વિદ્યાર્થીઓ ત્યાં આવી ગયા અને વાત કરવા માટે ગાડીમાં ઘૂસી ગયા હતા. બાદમાં 45 મિનિટ સુધી તેઓએ શિખરને ધમકાવ્યો હતો અને ગાળો ભાંડી હતી.

50-60 થપ્પડ મારી વિડીયો વાયરલ કર્યો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “11 ઓગસ્ટના રોજ મારા દીકરાની લિગામેન્ટ સર્જરી થઈ હતી અને તે લાકડીના સહારે ચાલી રહ્યો હતો. જાહ્નવી મિશ્રા અને આયુષ યાદવે મારા દીકરાને 50 થી 60 થપ્પડ માર્યા અને મને તથા મારા માતા-પિતાને પણ ગાળો આપી હતી. તેઓએ અમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.” આ દરમિયાન, વિવેક સિંહ અને મિલય બેનર્જીએ આ મારપીટનું રેકોર્ડિંગ કર્યું હતું અને વીડિયો આખા કેમ્પસમાં શેર કરી દીધો હતો. પીડિતના પિતાએ આ ઘટના બાદ કોલેજ જઈને રજૂઆત કરતા, આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા અને ફરીથી કોલેજ ન આવવાની ચેતવણી આપી હોવાનો આરોપ કર્યો હતો.

વીડિયોમાં શું દેખાય છે?

101 સેકન્ડના વાયરલ વીડિયોમાં, આગળની સીટ પર બેઠેલી એક છોકરી શિખરના ડાબા ગાલ પર સતત થપ્પડ મારતી દેખાઈ રહી છે. જ્યારે પણ શિખર બચવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને ‘હાથ નીચે કરો’ એમ કહેતી સંભળાય છે. ગાડીમાં બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ પણ ગાળો બોલતા સંભળાય છે. એક વિદ્યાર્થી શિખરનો જમણો હાથ ખેંચીને તેના જમણા ગાલ પર મુક્કો પણ મારે છે. આ ઘટના અંગે એમિટી યુનિવર્સિટીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button