ટોપ ન્યૂઝનેશનલ

યુપીના ફતેપુરાના એક ગામમાં ત્રણ મહિલા સહીત 6 લોકોની હત્યા, મુખ્ય પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક કાળજું કંપાવી દે એવી હત્યાની ઘટના બની હતી. દેવરિયા જિલ્લામાં રૂદ્રપુર નજીક ફતેહપુર ગામમાં જૂની અદાવતમાં એક સાથે છ લોકોની ઘાતકી હત્યાની ઘટના બની છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. ગામમાં તણાવનું વાતાવરણ છે. હાલ પોલીસ તપાસમાં વ્યસ્ત છે.

સોમવારે સવારે રુદ્રપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ફતેહપુરના લહેરા ટોલા ખાતે જમીન વિવાદ બાબતે સત્યપ્રકાશ દુબેએ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રેમ યાદવને માર મારી હત્યા કરી હતી. જેનો બદલો લેવા સત્યપ્રકાશ દુબેના દરવાજે ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યાં ધારદાર હથિયારોથી સજ્જ ટોળાએ સત્યપ્રકાશ દુબે, તેની પત્ની, બે પુત્રી અને એક પુત્રની હત્યા કરી નાખી હતી. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી અને ડીએમ અને એસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અભયપુર ટોલામાં રહેતા પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રેમ યાદવની જમીન લેહરા ટોલાના રહેવાસી સત્ય પ્રકાશ દુબેની જમીન પાસે છે. જે અંગે પક્ષો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પ્રેમે યાદવે આમાં ડાંગરનું વાવેતર કર્યું હતું.

આજે સવારે પ્રેમ યાદવ વિવાદિત જમીન પર ગયો હતો અને તે દરમિયાન સત્ય પ્રકાશ સાથે જમીન બાબતે ઝઘડો થયો હતો. ત્યાર બાદ પ્રેમ યાદવની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો સત્ય પ્રકાશ દુબેના દરવાજે પહોંચી ગયા અને જે મળે તેને મારવા લાગ્યા. ટોળાએ સત્ય પ્રકાશની હત્યા કરી નાખી ત્યાર બાદ ઘરમાં ઘુસીને તેની પત્ની કિરણ, પુત્રી શાલોની (18), નંદની (10) અને પુત્ર ગાંધી (15)ની હત્યા કરી હતી. જ્યારે અનમોલ (8) ગંભીર રીતે ઘાયલ થયો હતો.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દેવરિયા જિલ્લામાં બનેલી આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્ય પ્રધાને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. તેમણે આઈજીને ત્વરિત અને કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
ગામમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક સાથે છ લોકોની હત્યાથી પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button