આતંકી હુમલાના 6 મહિના બાદ પહેલગામમાં ‘બાયસરન’ ધબક્યું: પ્રવાસીઓ પરત, ફિલ્મ શૂટિંગ પણ શરૂ!

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના છ મહિના જેટલા લાંબા સમય બાદ હવે પુનઃ ખીણમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરના પ્રવાસનમાં પણ ઘટાડો થયો હતો. જો કે હવે પહલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યાની સાથે પ્રથમ વખત ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે.
રવિવારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પહેલગામના બાયસરન વિસ્તારમાં કેબલ કારના સંચાલનને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિક લોકો અને ઘોડેવાળા જેવા પ્રવાસન સાથે જોડાયેલા લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો. તેમનું કહેવું છે કે પ્રવાસીઓ પરત ફરશે તો તેમની આજીવિકા ફરી શરૂ થશે.
કેબલ કારને મંજૂરી મળ્યાના બીજા જ દિવસે, દક્ષિણ ભારતની એક ફિલ્મ મેકિંગ યુનિટે પહેલગામમાં શૂટિંગ શરૂ કર્યું છે. હુમલા બાદ મોટાભાગની ફિલ્મ યુનિટ્સે કાશ્મીરમાં તેમના શૂટિંગ રદ્દ કરી દીધા હતા. હવે શૂટિંગ શરૂ થતા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી ખીણ તરફ વળશે તેવી આશા જાગી છે. 
ફિલ્મના ડાયરેક્ટર ઓમર ઉર્ફ એસકે સેમએ જણાવ્યું કે તેમના નવા પ્રોજેક્ટથી અન્ય પ્રોડક્શન હાઉસને પણ જલ્દી કાશ્મીરમાં શૂટિંગ માટે આવવાની પ્રેરણા મળશે. ફિલ્મના કલાકારો અને નિર્દેશકને શરૂઆતમાં કેટલીક આશંકાઓ હતી, પરંતુ અહીં પહોંચ્યા પછી તેમને માહોલ સુરક્ષિત અને સકારાત્મક લાગ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે સ્થાનિક લોકોના સહયોગ અને સુરક્ષાની તમામ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ અહીં શૂટિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો…NIA કરશે મોટો ખુલાસો? પહેલગામ હુમલાની ચાર્જશીટ તૈયાર, પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ થશે
 


