પાકિસ્તાની હુમલામાં જમ્મુ-કાશ્મીરના અધિકારી સહિત 5નાં મૃત્યુ, સરહદ પર તણાવ યથાવત

શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં તણાવને કારણે યુદ્ધ જેવી સ્થિતિનો માહોલ સર્જાયો છે. ભારતનાં ‘ઓપરેશન સિંદૂર’ બાદ ફફડી ઊઠેલું પાકિસ્તાન ભારતમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. શનિવારે વહેલી સવારે રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં એક વરિષ્ઠ સરકારી અધિકારી સહિત પાંચ લોકોનું મૃત્યુ થયું છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં જમ્મુ-કાશ્મીરના એક અધિકારીનું મૃત્યુ નીપજ્યું છે, જેની માહિતી જમ્મુ કાશ્મીરનાં મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ આપી હતી.
કાશ્મીરના વહીવટી સેવા અધિકારીનું મૃત્યુ
જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર (X) પર જણાવ્યું હતું કે પાકિસ્તાનના હુમલામાં એક અધિકારીનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત અન્ય બે લોકોનું પણ મોત થયું છે, જેમાં એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. તેમણે જમ્મુ અને કાશ્મીરના વહીવટી સેવા અધિકારી રાજ કુમાર થપ્પાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાને રાજૌરીમાં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં તેમના ઘરને નિશાન બનાવાયા બાદ જીવ ગુમાવનારા થપ્પા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અધિક જિલ્લા વિકાસ કમિશનરનું મૃત્યુ
અધિકારીઓનાં જણાવ્યા અનુસાર શનિવારે વહેલી સવારે રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં એક વરિષ્ઠ સરકારી અધિકારી સહિત પાંચ લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. રાજૌરી શહેરમાં સત્તાવાર નિવાસસ્થાન પરનાં હુમલામાં અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થાપા અને તેમના બે સ્ટાફ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સરકારી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અધિકારીનું મૃત્યુ થયું હતું.
કુલ પાંચ લોકોનાં પણ મૃત્યુ
પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે સવારે લગભગ 5.30 વાગ્યે પાકિસ્તાન તરફથી હુમલો થયો ત્યારે અધિકારી રાજ કુમાર થપા પોતાના ઘરમાં હતા. ધમાકાનો અવાજ સાંભળીને તેઓ બહાર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. ત્યારબાદ પાકિસ્તાની હુમલામાં તેમનાં ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં અન્ય બે લોકોએ પણ જીવ ગુમાવ્યા છે, જેમાં એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. અન્ય બે લોકોનાં પણ મૃત્યુ થયાના અહેવાલ છે.
આ પણ વાંચો…પાકિસ્તાને ભારતના 26 સ્થળો પર ડ્રોન્સ છોડ્યા અમૃતસરમાં ગોળીબાર…