
નવી દિલ્હી: લાંબા સમયથી બેંક કર્મચારીઓ સપ્તાહમાં પાંચ દિવસ કાર્ય અને બે દિવસ રજા (5-Day Work Week)ની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ભારતીય બેંક સંઘ (IBA) અને કર્મચારી સંગઠનો વચ્ચે આ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ ચૂકી છે. આ પ્રસ્તાવ સરકાર પાસે મોકલવામાં આવ્યો છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ બાકી છે. આ પ્રસ્તાવ પર કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. નાણા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ આ અંગે વિગતવાર માહિતી આપી હતી.
પંકજ ચૌધરીએ વિગતવાર માહિતી આપી
પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ ભારતીય બેંક સંઘ (IBA) દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેમાં દર મહિનાના તમામ શનિવારને બેંકિંગ રજા તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. હાલમાં, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 25 હેઠળ 20.08.2015ના નોટિફિકેશન મુજબ દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો માટે જાહેર રજા હોય છે. આ નિર્ણય IBA અને કામદાર યુનિયનો/અધિકારી સંઘો વચ્ચે હસ્તાક્ષર કરાયેલા 10મા દ્વિપક્ષીય કરાર/7મા સંયુક્ત નોટ બાદ લેવામાં આવ્યો હતો.

શું બેંકમાં કર્મચારીની છે અછત?
કે.સી. વેણુગોપાલે પૂછ્યું હતું કે શું આ પ્રસ્તાવ કર્મચારીઓની અછતને કારણે પેન્ડિંગ છે. જેના જવાબમાં પંકજ ચૌધરીએ જણાવ્યું કે જાહેર ક્ષેત્રની બેંકો (PSB) બોર્ડ દ્વારા સંચાલિત વ્યાપારી સંસ્થાઓ છે. દરેક સરકારી ક્ષેત્રની બેંકમાં કર્મચારીઓની જરૂરિયાત સંબંધિત PSB દ્વારા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે, જેમાં વ્યવસાયિક જરૂરિયાતો, પ્રવૃત્તિઓનું વિસ્તરણ, નિવૃત્તિ અને અન્ય અણધાર્યા કાર્યોનો સમાવેશ થાય છે. તદનુસાર, PSB દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે અને તે તેમની જરૂરિયાતોના આધારે વર્ષ-દર-વર્ષ બદલાતી રહે છે.
શું આ પ્રસ્તાવ પર સરકારની વિચારણા?
PSB પાસેથી મળેલી માહિતી મુજબ, 31.03.2025 સુધીમાં, 96% કર્મચારીઓ બેંકોની તેમની વ્યવસાયિક જરૂરિયાત મુજબ કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં, સરકારે 5-દિવસીય બેંકિંગ સપ્તાહને તાત્કાલિક લાગુ કરવા અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવી નથી, પરંતુ IBAનો પ્રસ્તાવ સરકારના વિચારણા હેઠળ છે.
આ પણ વાંચો…August મહિનામાં એક-બે નહીં આટલા દિવસ બેંકો હશે બંધ, RBIએ જાહેર કરી યાદી…