બંગાળના દુર્ગાપુર ગેંગ રેપ કેસમાં 5 આરોપીની ધરપકડ, વિપક્ષે કહ્યું, આ માત્ર દેખાડો છે!

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ૨૩ વર્ષીય તબીબી વિદ્યાર્થિની પર થયેલા ગેંગ રેપ કેસમાં સોમવારે વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા પાંચ થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ ઘટનાથી ચૂંટણીલક્ષી રાજ્ય પશ્ચિમ બંગાળમાં રાજકીય વિવાદ વકર્યો છે. જ્યાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ગુના સંબંધિત પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીએ ધરપકડો માત્ર દેખાડો હોવાનો દાવો કર્યો હતો.
આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશ્નરેટના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ(ડીસીપી) અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે વધુ બે ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પીડિતાની ફરિયાદના આધારે તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ઓડિશાના બાલાસોર જિલ્લાના જલેશ્વરની રહેવાસી દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થીની પર શુક્રવારે રાત્રે જ્યારે તે કોલેજ કેમ્પસની બહાર એક પુરૂષ મિત્ર સાથે ડિનર કરવા ગઇ હતી ત્યારે ગેંગ રેપ ગુજારવામાં આવ્યો હતો.
અગાઉ ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને રવિવારે દુર્ગાપુર સબ-ડિવિઝનલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ૧૦ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ અપરાધમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બેનર્જી પાસે ગૃહ મંત્રાલય પણ છે.
આ પણ વાંચો…પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ; પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી, ૨ હજી ફરાર…