
નવી દિલ્હી: બેરોજગારીના મુદ્દાને લઈને સંસદમાં ઘણીવાર વિપક્ષ પ્રશ્નો પૂંછતું હોય છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે રાજ્યસભામાં કેન્દ્ર સરકારની સરકારી નોકરીની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેનો કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યપ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે જવાબ આપ્યો હતો.
40 લાખ જેટલી ખાલી જગ્યાઓ મંજૂર
રાજ્યસભાના પ્રશ્નકાળમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગો જેવા કે રેલ્વે, સંરક્ષણ, ગૃહ મંત્રાલય અને ટપાલ વિભાગમાં કુલ ખાલી જગ્યાઓની વિગતો માંગવામાં આવી હતી. જેનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “ખાલી જગ્યાઓ અને નિમણૂકોની વિગતો સંબંધિત મંત્રાલયો અને વિભાગો દ્વારા જાળવવામાં આવે છે. ખર્ચ વિભાગનું પગાર સંશોધન એકમ મંજૂર પોસ્ટ્સ અને વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ચાર્જમાં રહેલા વ્યક્તિઓ સંબંધિત ડેટા ધરાવતો વાર્ષિક અહેવાલ પ્રકાશિત કરે છે.”
આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી પહેલાં નીતીશ કુમારનો મોટો નિર્ણય: મહિલાઓને સરકારી નોકરીમાં 35 ટકા અનામતની કરી જાહેરાત
ડૉ. જીતેન્દ્ર સિંહે આગળ જણાવ્યું કે, ” સરકારી નોકરીની ખાલી જગ્યાઓ અને તેની ભરતી એક સતત ચાલતી પ્રક્રિયા છે, તે જરૂરિયાતના આધારે પૂરી થાય છે. હાલ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં 40 લાખથી વધારે જગ્યો મંજૂર કરવામાં આવેલી છે. સરકારે તમામ વિભાગોને સીધી ભરતી દ્વારા ખાલી જગ્યાઓ સમયસર ભરવાની સૂચના આપી છે. જે તે મંત્રાલયો અને વિભાગો ભરતી એજન્સીઓને સીધી ભરતી માટે ખાલી જગ્યાઓને જાણ કરવાની રહેશે. જેથી આ ખાલી જગ્યાઓને સમયસર ભરી શકાય.”
પ્રશ્નનો જવાબ આપતા ડૉ. જીતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હકું કે, ‘પ્રમોશન દ્વારા સરકારી નોકરીની ખાલી જગ્યાઓ ભરવા માટે વિભાગીય પ્રમોશન સમિતિની બેઠક યોજાઈ રહી છે. જૂન 2022 થી કેન્દ્ર સરકાર મિશન મોડમાં જગ્યાઓ ભરી રહી છે. શહેરોમાં નિયમિત સમયગાળામાં રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.’