
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દિવાળી પહેલા બુધવારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના સ્લેબમાં ઘટાડો કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. આ નિર્ણયથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ, દવાઓ, ખાદ્યપદાર્થો, નાની કાર, બાઇક અને સિમેન્ટ જેવી વસ્તુઓ સસ્તી થશે. જોકે, વૈભવી અને હાનિકારક વસ્તુઓ જેવી કે પાન મસાલા, સિગારેટ અને લક્ઝરી કાર પર નવો 40 ટકા GST લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી આ વસ્તુઓ મોંઘી થશે.
GST સ્લેબમાં ફેરફાર
GST કાઉન્સિલની 56મી બેઠકમાં બે સ્લેબ ઘટાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે માત્ર બે GST સ્લેબ રહેશે. જેમાં 5 ટકા અને 18 ટકાનો જ સમાવેશ થશે. જ્યારે 12 ટકા અને 28 ટકાના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગની જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ વૈભવી અને હાનિકારક વસ્તુઓ માટે નવો 40 ટકાનો સ્પેશિયલ સ્લેબ રજૂ કરવામાં આવ્યો છે. આ નવા નિયમો આગામી 22 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ થશે.
આ પણ વાંચો: 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા GST દર, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ પર જીએસટી રદ; જાણો શું સસ્તું-મોંઘુ થશે…
આ વસ્તુઓ પર લાગુ થશે 40 ટકા GST

અત્યારે ઘણી એવી લક્ઝરી વસ્તુ પર 28 ટકા GST લાગૂ થતો હતો. જેના પર હવેથી 40 ટકા GST વસૂલ કરવામાં આવશે. જેની યાદી નીચે મુજબ છે.
• પાન મસાલા
• પાન મસાલો, સિગારેટ, ચાવવાની તમાકુ
• ફાસ્ટ ફૂડ
• કાર્બોનેટેડ ડ્રિંક્સ
• 350 સીસીથી વધુની મોટરસાઇકલ
• લક્ઝરી કાર
• રેસિંગ કાર
• પ્રાઇવેટ જેટ
• યાટ
• રિવોલ્વર
• પિસ્તોલ
કઈ વસ્તુની કિંમતો ઘટશે

નવા GST ફેરફારોને કારણે રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેવી કે દવાઓ, ખાદ્યપદાર્થો, નાની કાર, બાઇક અને સિમેન્ટની કિંમતો ઘટશે. આ નિર્ણયથી મધ્યમ અને નીચલા વર્ગના લોકોને મોટી રાહત મળશે, કારણ કે આ વસ્તુઓ હવે વધુ સસ્તી થશે. આ ઉપરાંત, બાંધકામ સામગ્રીની કિંમતો ઘટવાથી ઘરનું બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ સસ્તા થશે, જે આર્થિક વૃદ્ધિને વેગ આપશે.
આ પણ વાંચો: હવે ઘર થશે સસ્તા? બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ મટિરિયલને GSTમાં આટલી રાહત
આર્થિક અસર અને જનતાનો પ્રતિભાવ
GST સ્લેબમાં ફેરફારથી સામાન્ય લોકોને રાહત મળશે, પરંતુ વૈભવી અને હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરનારાઓએ વધુ ખર્ચ કરવો પડશે. આ નિર્ણયથી સરકારનો હેતુ હાનિકારક ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવાનો અને જરૂરી વસ્તુઓને સસ્તી કરીને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે. નાણામંત્રીએ જણાવ્યું કે આ ફેરફારો આર્થિક સુધારાનો એક ભાગ છે, જેનાથી ગ્રાહકો અને ઉદ્યોગોને લાભ થશે. આ નવા નિયમોની અસર 22 સપ્ટેમ્બરથી દેશભરમાં જોવા મળશે.