ગૌ હત્યાના આરોપસર ઉત્તરપ્રદેશમાં બજરંગ દળના નેતા સહિત ચારની ધરપકડ, કાવતરાનો આરોપ

મુરાદાબાદ: ઉત્તર પ્રદેશ પોલીસે બુધવારે બજરંગ દળ(Bajrang Dal)ના મુરાદાબાદ જિલ્લા પ્રમુખ સહિત ચાર લોકોની ગાયોની કતલ(Cow Slaughtering) કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપીઓએ કથિત રીતે એક મુસ્લિમ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવવા અને પોલીસ વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે ગાયોની કતલ કરી હતી.
એક અખબારી અહેવાલ મુજબ આરોપીઓની ઓળખ મુરાદાબાદ જિલ્લાના ચેતરામપુર ગામના વતની શહાબુદ્દીન, બજરંગ દળના નેતા મોનુ બિશ્નોઈ ઉર્ફે સુમિત અને તેના સહાયકો રમણ ચૌધરી અને રાજીવ ચૌધરી તરીકે કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શહાબુદ્દીને મકસુદ નામના શખ્સ સામે બદલો લેવા અને તેને જેલમાં ધકેલી દેવા માટે બજરંગ દળના કાર્યકરોની મદદ લીધી હતી. આ માટે તેમણે ગાયની કતલ કરી મકસુદને ફસાવી દેવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે 16 જાન્યુઆરીના રોજ કાવડ રોડ પરથી ગાયનું માથું મળી આવ્યું હતું, આ માર્ગનો ઉપયોગ મોટાભાગે શ્રાવણ મહિનામાં હિન્દુ તીર્થયાત્રીઓ હરિદ્વાર જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે કરે છે.
પોલીસે અધિકારીએ જણાવ્યું હતું કે “ગાયનું માથું મળ્યા બાદ અજાણ્યા શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી, 28 જાન્યુઆરીની રાત્રે ગૌહત્યાની બીજી ઘટના થોડા કિલોમીટર દૂર ચેતરામપુર ગામમાં બની હતી. બંને ઘટનાઓને અંજામ આપનારા શખ્સો એકબીજા સાથે સંકળયેલા હોવાનું જણાયું હતું. એવી શંકા હતી કે આ ઘટના આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી અને તે માત્ર ગૌહત્યાનો મામલો નથી, તેની પાછળ ચોક્કસપણે કોઈક છુપાયેલો એજન્ડા હોવાનું જણાતું હતું.”
બીજી ઘટનામાં જ્યારે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને એક વ્યક્તિનું ટ્રાઉઝર અને એક પાકીટ મળ્યું જેમાં મકસુદનો ફોટો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “જ્યારે મકસુદની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તેને ગામના કેટલાક લોકો સાથે અણબનાવ છે, જેના કારણે તેને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ શહાબુદ્દીન અને જમશેદના નામ સામે આવ્યા હતા. આ લોકોએ તેમના દુશ્મન મકસુદને જેલમાં મોકલવા માટે મોનુ બિશ્નોઈ, રાજીવ ચૌધરી અને રમણ ચૌધરીની મદદ લીધી હતી.”
અગાઉ મોનુ બિશ્નોઈની IPC કલમ 307 (હત્યાનો પ્રયાસ) કેસ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી એ જણવ્યું કે થોડા દિવસો પહેલા જેલમાંથી બહાર આવ્યા પછી મોનું બિશ્નોઈએ છજલાઈત સ્ટેશનમાં પોલીસ પાસેથી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા દબાણ શરૂ કાર્ય હતું અને જ્યારે અધિકારીઓએ તેની વાત ન સાંભળી, ત્યારે તેણે આ ઘટના દ્વારા પોલીસ સામે કાવતરું ઘડ્યું હતું.
પોલીસના જણવ્યા મુજબ પહેલા આરોપીઓએ 14 જાન્યુઆરીની ઘટનાની યોજના બનાવી જેમાં તેઓએ શહાબુદ્દીનના સહયોગી નઈમને 2,000 રૂપિયા આપ્યા અને કે ગાયનું માથું ક્યાંકથી લાવીને છજલાઈત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેંકી દેવા કહ્યું, જેથી પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યાર બાદ સ્થળ પર મકસુદનો ફોટો મૂકીને પુરાવા ઘડવામાં આવ્યા હતા. આ જ લોકોએ એક ઘરમાંથી ગાયની ચોરી કરી, તેની કતલ કરી અને પછી પોલીસને જાણ કરી.
પોલીસે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવાના આધારે આ કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ગુનાહિત વૃત્તિ ધરાવતા લોકો છે અને પોલીસ પર નિયમિત દબાણ લાવી રહ્યા છે.
મુરાદાબાદ પોલીસે આઈપીસી કલમ 120બી (ગુનાહિત કાવતરું), 211 (ઈજા પહોંચાડવાના ઈરાદાથી કરાયેલા ગુનાનો ખોટો આરોપ), 380 (રહેઠાણમાં ચોરી), 457 (ઘર તોડ ચોરી) અને 411 (અપ્રમાણિકપણે ચોરેલી મિલકત પ્રાપ્ત કરવી) અને ગૌહત્યા અધિનિયમની કલમ 3,5,8 હેઠળ બે એફઆઈઆર નોંધી છે.