
હૈદરાબાદ: વર્ષ 2026ના અંત સુધીમાં દેશમાંથી માઓવાદનો અંત કરવાના ઉદેશ્ય સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં મહિનાઓથી ઘણાં માઓવાદી આગેવાનો તેમના સાથીઓ સાથે આત્મસમર્પણ કરી ચુક્યા છે. એવામાં શનિવારે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયા (માઓઇસ્ટ)ના 37 સક્રિય કાર્યકરોએ તેલંગાણાના હૈદરાબાદમાં હથિયાર હેઠા મૂકીને રાજ્ય પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

અહેવાલ મુજબ જે માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, એમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયા (માઓઇસ્ટ)ની રાજ્ય સમિતિના ત્રણ સભ્યો કોયદા સંબૈયા ઉર્ફે આઝાદ(49), અપ્પાસી નારાયણ ઉર્ફે રમેશ(70) અને મુચાકી સોમાદા ઉર્ફે એરાનો સમાવેશ થાય છે. દરેક પર 20 લાખ રૂપિયાનું રોકડ ઇનામ હતું. આત્મસમર્પણ દરમિયાન માઓવાદીઓએ પોલીસને એક AK-47 સહિત આઠ શસ્ત્રો સોંપી દીધા.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયા (માઓઇસ્ટ)ના ત્રણ રાજ્ય સમિતિના સભ્યો ઉપરાંત વિભાગીય સમિતિના ત્રણ સભ્યો, ક્ષેત્ર સમિતિના નવ સભ્યો અને 22 અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.
કુલ 1.4 કરોડ રૂપિયાનું ઇનામ:
પોલીસના જણાવ્યા મુજબ માઓવાદીઓએ એક AK-47 રાઈફલ, બે SLR રાઈફલ, ચાર 303 રાઈફલ, એક G3 રાઈફલ અને 346 રાઉન્ડ ગોળીઓ પોલીસને પણ સોંપી દીધી છે. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ પર કુલ 1.4 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ હતું.
મુખ્ય ધારામાં સામેલ થવા અપીલ:
અહેવાલ મુજબ CPI (માઓઇસ્ટ)ના વિવિધ સંગઠમાં આંતરિક મતભેદોને કારણે સક્રિય કાર્યકરો નિરાશ થઇ રહ્યા છે, અને સંગઠન છોડી રહ્યા છે.
તેલંગાણા સરકારે માઓવાદીઓને આત્મસમર્પણ માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. રાજ્યના મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીએ તાજેતરમાં કહ્યું હતું કે “શસ્ત્રો છોડી દો અને ભૂગર્ભમાંથી બહાર આવો, મુખ્ય પ્રવાહમાં જોડાઓ અને જાહેર જીવન અપનાવો.”
આપણ વાંચો: યુપીમાં ચૂંટણી પહેલા જ ગૌહત્યા સહીતના ગુનાઓમાં સંડોવાયેલા 73 ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ



