રસ્તાના બાંધકામમાં 35 ટકા બાયો-બિટુમન મિક્સ કરાશે: રૂ. 10,000 કરોડનું વિદેશી હુંડિયામણ બચશે

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે કહ્યું હતું કે વિદેશમાંથી આયાત કરવામાં આવતા પેટ્રોલિયમ આધારિત બિટુમનમાં 35 ટકા સુધી બાયો-બિટુમનના મિશ્રણને મંજૂરી આપશે, જેનાથી દેશના 10,000 કરોડનું વિદેશી હૂંડિયામણ બચી જશે. બીટુમન (ડામર) એ કાળો પદાર્થ છે જે ક્રૂડ ઓઈલના નિસ્યંદન દ્વારા ઉત્પન્ન થાય છે અને તેનો વ્યાપક ઉપયોગ રસ્તાઓ અને છત બનાવવા માટે થાય છે.
આપણી પાસે વિશ્ર્વનું સૌથી મોટું રોડ નેટવર્ક છે. 90 ટકા રસ્તાઓ બિટુમન્સ લેયરનો ઉપયોગ કરે છે. 2023-24માં બિટુમનનો વપરાશ 88 લાખ ટન હતો. 2024-25માં તે 100 લાખ ટન થવાની ધારણા છે. 50 ટકા બિટુમનની આયાત કરવામાં આવે છે અને વાર્ષિક આયાત ખર્ચ રૂ. 25,000-30,000 કરોડ છે, એમ ગડકરીએ રાજ્યસભામાં પ્રશ્ર્નોના જવાબમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: મરતા પહેલા હમાસના વડા હાનિયેએ નીતિન ગડકરી સાથે સ્ટેજ શેર કર્યું
તેમણે કહ્યું હતું કે ખેડૂતો હવે માત્ર અનાજનું જ ઉત્પાદન કરતા નથી, પરંતુ તેઓ ઊર્જા ઉત્પાદક બની ગયા છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીઆરઆરઆઈ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ, દેહરાદૂન દ્વારા ડાંગરની સ્ટ્રોમાંથી બાયો-બિટુમન વિકસાવવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે પરાળ સળગાવવાથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા છે તેનું પણ આનાથી નિરાકરણ થશે. એક ટન પરાળી (ડાંગરનું સ્ટ્રો) 30 ટકા બાયો-બિટુમન, 350 કિલો બાયો-ગેસ અને 350 કિગ્રા બાયોચાર આપે છે. 35 ટકા સુધી બાયો-બિટુમનને બિટુમનમાં ભેળવવામાં સફળતા મળી છે અને આનાથી 10,000 કરોડ રૂપિયાની વિદેશી હૂંડિયામણની બચત થવાની ધારણા છે અને તેની પેટન્ટ પહેલેથી જ સબમિટ કરવામાં આવી છે.
તેમણે માહિતી આપી હતી કે પેટ્રોલિયમ આધારિત બિટુમ નની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે બાયોમાસ (ચોખાના સ્ટ્રો)માંથી બાયો-બિટુમનની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો છે. (પીટીઆઈ)