આજે 33 ગુજરાતીઓ ભારત પાછા ફરશેઃ ડંકી રૂટથી ગયા હતા અમેરિકા
અમદાવાદઃ લૉન લઈને, દેવું કરીને, સંબંધી-મિત્રોને ખોટું બોલીને કેટલાય સપના લઈને અમેરિકા ગયેલા 250 ભારતીયનો પહેલો કાફલો લગભગ 1 વાગ્યા આસપાસ ભારત આવશે ત્યારે તેમાં 33 ગુજરાતી પણ હશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જે તરખાટ મચાવ્યો છે, તેનો ભોગ આ ભારતીયો બન્યા છે. અમેરિકાની બોર્ડરમાં ડંકી રૂટ એટલે કે ગેરકાયદે ઘુસીને રહેનારા લોકોને ખસેડવાનું મિશન ટ્રમ્પ સરકારે શરૂ કર્યું છે ત્યારે પહેલી બેચ અમેરિકન એરક્રાફ્ટમાં ભારત આવી રહી છે. આ પ્લેન અમૃતસર આવશે.
કેટલા અને ક્યાંના છે ગુજરાતીઓ
અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા ભારતીયોની પહેલી બેચમાં 120 કરતા વધારે પંજાબી અને 33 જેટલા ગુજરાતીઓ હોવાની માહિતી મળી છે. ગુજરાતીઓની વાત કરીએ તો મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સૌથી વધુ લોકો છે, જેમાં મહેસાણા અને ગાંધીનગરના 12 લોકો,સુરતથી 4, અમદાવાદથી 2 લોકો અને વડોદરા, ખેડા અને પાટણમાંથી 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…ટ્રમ્પનો ખુંખાર ચહેરોઃ ઈરાનને આપી ખુલ્લી ધમકી, ગાઝા પટ્ટી માટે કહી મોટી વાત…
ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની અમેરિકા-કેનેડાની ઘેલછા નવી નથી. આ અંગે ઘણીવાર ચોંકાવનારા અહેવાલો પણ બહાર આવે છે. લગભગ બે વર્ષ પહેલા ગાંધીનગરનો એક ચાર જણનો પરિવાર કેનેડા બોર્ડર પર ભારે ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યો હતો. આ કેસ બાદ ફરી ડંકી રૂટ દ્વારા ભારત છોડી વિદેશ જવાના ભારતીયોના ગાંડપણ અને ભારતમાં નોકરી-ધંધાની અછત વગેરે વિષયો પ્રકાશમાં આવ્યા હતા. જોકે આ રીતે જનારા લોકો મોટેભાગે લાખો કરોડોનો ખર્ચ કરી ગમે તેમ વિદેશમાં સેટલ થવા માંગે છે તે પણ એક વિચિત્ર બાબત છે.