મહાકુંભમાં અમૃત સ્નાન પહેલા CM યોગી આદિત્યનાથે આપ્યા કડક નિર્દેશ

પ્રયાગરાજઃ મહાકુંભમાં લોકોને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક રસ્તાઓ પર કિલોમીટરો સુધીનો લાંબો જામ સર્જાયો છે, જેને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે મહાકુંભના પાંચમાં અમૃત સ્નાન અંગે અધિકારીઓને ઘણી માર્ગદર્શિકા આપી હતી. તેમણે અધિકારીઓને અમૃત સ્નાનને ધ્યાનમાં રાખીને વધુ સારી ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા જણાવ્યું છે. મહાકુંભનું અમૃત સ્નાન 12મી ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે થશે તેથી મુખ્ય પ્રધાને વધુ સારી ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા સૂચના આપી છે. સોમવારે મોડી રાત્રે વિડિયો કોન્ફરન્સ કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠક દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કુંભમાં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થયો છે ઃ-
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયા દરમિયાન પ્રયાગરાજ આવતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જાહેર પરિવહનના વાહનોની સાથે સાથે ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને અમૃત સ્નાન દરમિયાન આ સંખ્યા વધુ વધવાની ધારણા છે. આને ધ્યાનમાં રાખીને એક સુવ્યવસ્થિત ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના અમલમાં મુકાવી જોઈએ. તેમણે અધિકારીઓને ગેરમાર્ગે દોરનારી કે ખોટી માહિતી ફેલાવનારાઓની સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને અધિકારીઓને જનતાને તાત્કાલિક પણે સચોટ માહિતી આપવા જણાવ્યું હતું.

મહિલાઓ અને બાળકોની મદદ કરોઃ-
મુખ્યપ્રધાને પણ જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં ઉપલબ્ધ પાંચ લાખથી વધુ વાહનોની પાર્કિંગ ક્ષમતાનો ઉપયોગ થવો જોઈએ અને નિયમોનો ઉલ્લંઘન કરીને કોઈ પણ વાહનને કુંભમેળા પરિસરમાં પ્રવેશવા દેવા જોઈએ નહીં. તેમણે લોકોને બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોની મદદ કરવા અપીલ કરી હતી. ભીડ વ્યવસ્થાપન માટે તેમણે શટલ બસોની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો હતો. તેમણે ટ્રાફિક અધિકારીઓને જણાવ્યું હતું કે રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો ના હોવી જોઈએ અને ક્યાંય પણ ટ્રાફિક જામની સ્થિતિ ન હોવી જોઈએ. લોકોને રસ્તા પર ગમે ત્યાં વાહનો પાક કરવાની મંજૂરી આપવામાં ના આવે અને કોઈ પણ રીતે ટ્રાફિક જામને અટકાવવામાં આવે. વાહનોની અવરજવર સતત રહેવી જોઈએ. તેમણે પ્રયાગરાજ સાથે સરહદ વહેંચતા તમામ જિલ્લાઓને વાહનોની સરળ અવર-જવર સુનિશ્ચિત કરવા માટે એકબીજા સાથે સંકલન સાધવાનો નિર્દેશ આપ્યો છે.
Also read: મહાકુંભમાં પાકિસ્તાનથી પ્રયાગરાજ પહોંચ્યા શ્રદ્ધાળુઓ; વ્યવસ્થા જોઇને થયા અભિભૂત
અયોધ્યા વારાણસીમાં પણ ભારે ભીડઃ-
ભારે ભીડને કારણે અયોધ્યા અને વારાણસી તરફ જતા તમામ રસ્તાઓ પર ઘણા કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થઈ ગયો છે. કાશીમાં પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ શહેરમાં ઘણી જગ્યાએ ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂક્યો છે. વારાણસીની બહાર જ બહારના વાહનોને રોકવામાં આવી રહ્યા છે. ભીડભાડવાળા સ્થળો પર સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની ભીડના ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાએ રૂટ બદલવામાં આવ્યા છે. વારાણસીમાં ભારે ભીડ હોવા છતાં લોકોનો ત્યાં જવાનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો નથી. કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ ચાર થી છ લાખ ભક્તો બાબાના દર્શન માટે આવી રહ્યા છે.

અયોધ્યા વારાણસીની શાળાઓમાં બંધ રહેશે ઃ-
વધતી ભીડને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને વારાણસીની શાળાઓને 11 થી 14 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે જો શાળાઓ ઇચ્છે તો તેઓ ઓનલાઈન વર્ગો ચલાવી શકે છે.