PoKથી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં 300 આતંકવાદી, સેના અને BSF એલર્ટ પર
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડી નથી રહ્યું. ફરી એકવાર સરહદ પારથી આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળ્યા બાદ BSFએ એલર્ટ જાહેર કર્યું છે. આ અંગે માહિતી આપતાં બીએસએફના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ 250 થી 300 આતંકવાદીઓ પાકિસ્તાન સરહદેથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. આ આતંકવાદીઓ સરહદ પારના લોન્ચપેડ પર હાજર છે.
જોકે, અધિકારીએ એમ પણ કહ્યું હતું કે સુરક્ષા દળો સતર્ક છે અને સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. BSFના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ” અમને એવી ગુપ્ત માહિતી મળી છે કે 250-300 આતંકવાદીઓ લોન્ચ પેડ પર ઘૂસણખોરી કરવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ અમે અને સેના તમામ સંવેદનશીલ સ્થળો પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને અમે સતર્ક છીએ. તેમણે કહ્યું કે બીએસએફ અને સેનાના બહાદુર સૈનિકો સરહદી વિસ્તારોમાં સતર્ક છે અને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. યાદવે કહ્યું, “અમને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ કરવામાં વિશ્વાસ છે.”
બીએસએફનાઅધિકારીએ કહ્યું હતું કે સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચે વિશ્વાસ વધ્યો છે. જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસની પ્રવૃત્તિઓને વધુ સારી રીતે આગળ વધારી શકીશું.”