
નવી દિલ્હી: દેશમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાંથી ગુજરાત એટીએસે આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડો પાડ્યો હતો અને 300 કિલોગ્રામ RDX, એક AK-47 અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો હોવાના અહેવાલ છે.
ગઇકાલે ગુજરાત ATSએ એક ડોક્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી, જેઓ રાસાયણિક ઝેરી હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા દિવસો પહેલા ફરીદાબાદ જિલ્લામાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન એક કાશ્મીરી ડોક્ટરની અટકાયત કરવામાં આવી હતી. તેનું નામ મુજાહિલ શકીલ હોવાનું કહેવાય છે.
સૂત્રોના મતે, રવિવારે જમ્મુ પોલીસે ડોક્ટરની માહિતી પરથી 300 કિલોગ્રામ આરડીએક્સ, એકે-47 રાઈફલ, 84 કારતૂસ અને પાંચ લિટર કેમિકલ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા સામાનની સંખ્યા 48 હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે સોમવારે ખુલાસો કરી શકે છે.
ગુપ્તચર બ્યુરો (Intelligence Bureau) ની ટીમ પણ આ મામલાની તપાસમાં લાગેલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરોડા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે, સ્થાનિક પોલીસે આની પુષ્ટિ કરી નથી. સૂત્રોનું કહેવું છે કે રવિવારે સવારે 10-12 પોલીસની ગાડીઓ એક રૂમની સામે પહોંચી હતી.
આ દરમિયાન ડોક્ટર પોલીસની અટકાયતમાં હતો. તેની માહિતી પરથી પોલીસે અહીંથી 14 બેગ જપ્ત કરી હતી, જે જોતાંવેંત જ દેખાવમાં ખૂબ ભારે લાગી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટરે લગભગ ત્રણ મહિના પહેલા આ રૂમ ભાડે લીધો હતો. ડોક્ટરે રૂમના માલિકને જણાવ્યું હતું કે આ રૂમમાં ફક્ત તેનો સામાન રહેશે. બીજી તરફ, પોલીસ પ્રવક્તાએ આ પ્રકારની કોઈપણ ધરપકડ કે હથિયારોની જપ્તી થવાનો ઇનકાર કર્યો છે.
આ પણ વાંચો…ગૅરેજમાં ડ્રગ્સ બનાવવાનું કારખાનું: 382 કરોડનું એમડી જપ્ત…



