બનાવટી સિમ કાર્ડ લેવા બદલ થશે જેલ અને 50 લાખ સુધીનો દંડઃ જાણો ટેલિકોમ બિલની જોગવાઇઓ

નવી દિલ્હી: સાંસદોના સસ્પેન્શનને લઈને સંસદમાં થઇ રહેલા હોબાળાની વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું હતું. ભારે હોબાળા વચ્ચે લોકસભાએ ટેલિકોમ્યુનિકેશન બિલ, 2023ને મંજૂરી આપી હતી, જે દેશમાં 138 વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટને રદ્દ કરીને નવો કાયદો બનાવવા માટે લાવવામાં આવ્યો છે. નવા ટેલિકોમ બિલમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીઓને સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવશે.
સરકાર દેશમાં બનાવટી સિમ કાર્ડ અને તેના જેવા અન્ય ગુનાઓ દ્વારા છેતરપિંડી પર ગાળિયો કસવામાં આવ્યો છે. નવું ટેલિકોમ બિલ 2023 સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે. આ બિલમાં બનાવટી સિમ ખરીદવા પર 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. રાષ્ટ્રપતિ આ બિલ પર હસ્તાક્ષર કરે તે પછી તે કાયદો બની જશે.
આ બિલમાં ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને સિમ કાર્ડ આપતા પહેલા બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત કરવાનું કહેવામાં આવ્યું છે. બિલમાં બનાવટી સિમ ખરીદવા પર 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે.
આ બિલમાં ઈ-કોમર્સ, ઓનલાઈન મેસેજિંગ જેવી ઓવર-ધ-ટોપ સેવાઓ (OTT)ને ટેલિકોમ સેવાઓની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. ગયા વર્ષે જ્યારે ટેલિકોમ્યુનિકેશન બિલનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેમાં OTT સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કારણે ભારે હોબાળો થયો હતો. બાદમાં સરકારે તેને બિલમાંથી હટાવી દીધું હતું.
મળતી માહિતી મુજબ આ બિલ લાઇસન્સિંગ સિસ્ટમમાં પણ બદલાવ લાવશે. હાલમાં સેવા પ્રદાતાઓએ વિવિધ પ્રકારની સેવાઓ માટે અલગ-અલગ લાયસન્સ મેળવવા ભારે ઝંઝટમાંથી પસાર થવું પડતું હતું, પરંતુ એકવાર આ બિલ કાયદો બની જશે ત્યાર બાદ લાયસન્સ અંગેની માથાકૂટ ઘણી ઓછી થઇ જશે.
આ બિલ સરકારને રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્કને ટેકઓવર, મેનેજ અથવા સ્થગિત કરવાની મંજૂરી આપશે, એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જરૂર પડશે તો સરકાર ટેલિકોમ નેટવર્ક પર મેસેજને ઈન્ટરસેપ્ટ કરી શકશે. આ સાથે આ બિલમાં લાયસન્સિંગ સિસ્ટમમાં ઘણા ફેરફારો પ્રસ્તાવિત છે.
નવા ટેલિકોમ બિલમાં કેટલીક એવી જોગવાઈ પણ છે કે સામાન અને સેવાઓ માટે જાહેરાતો અને પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા સેવાપ્રદાતાઓએ ગ્રાહકોની સંમતિ લેવી પડશે. આને કારણે લોકોને આવતા પ્રમોશનલ કોલ અને મેસેજમાં ઘટાડો થશે. ટેલિકોમ સેવાઓ પૂરી પાડતી કંપનીએ એક ઓનલાઈન મિકેનિઝમ બનાવવું પડશે, જેથી યુઝર્સ તેમની ફરિયાદ ઓનલાઈન કરી શકે.
બિલમાં એવો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે કે સરકારને સેટેલાઇટ સ્પેક્ટ્રમની વહીવટી રીતે ફાળવણી કરવાની સત્તા આપવામાં આવે. અત્યાર સુધી, ટેલિકોમ કંપનીઓએ હરાજીમાં ભાગ લીધો છે અને સ્પેક્ટ્રમ જીતવા માટે બિડ સબમિટ કરી છે.
કાયદાના નિષ્ણાતોએ એવો આક્ષેપ કર્યો છે કે આ બિલ ટ્રાઈને માત્ર રબર સ્ટેમ્પમાં ઘટાડી દેશે. નવા બિલથી અમેરિકન બિઝનેસમેન એલોન મસ્કની સ્ટારલિંક જેવી વિદેશી કંપનીઓને ફાયદો થશે. આના કારણે જિયોને નુકસાન થઈ શકે છે.