કેદારનાથથી આવ્યા માઠા સમાચાર, પદયાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા 3ના મોત, અનેક ઘાયલ
રવિવારે સવારે કેદારનાથ મંદિરે જતા માર્ગ પર ભૂસ્ખલન થતાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓએ વહેલી સવારે ગૌરીકુંડથી તેમની યાત્રા શરૂ કરી હતી.
એ સમયે ચીડવાસા નજીક Landslide થતા ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ માહિતી મળતા જ બચાવ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લોકોને મદદ કરવાની કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કેદારનાથમાં હિમસ્ખલન : જોતજોતામાં આખો બરફનો ડુંગર ધસી આવ્યો…. Video
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું છે કે, “કેદારનાથ યાત્રા માર્ગની નજીક પહાડી પરથી પડી રહેલા કાટમાળ અને ભારે પથ્થરોને કારણે કેટલાક શ્રદ્ધાળુઓના મૃત્યુ થવાના અને કેટલાકના ઘાયલ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. ભગવાન શોકગ્રસ્ત પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
સીએમ ધામીએ એમ પણ કહ્યું હતું કે તેઓ બચાવ અને રાહત કાર્ય અંગે અધિકારીઓના સતત સંપર્કમાં છે અને તેમને અકસ્માતમાં ઘાયલ લોકોને જરૂરી સહાય અને સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરાખંડના ભાગોમાં ભારે વરસાદને કારણે પહાડીઓમાં ભૂસ્ખલન થયું છે. આ પહેલા 10 જુલાઈના રોજ બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલ ગંગા લાંગસી ટનલ પાસે પહાડી પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો.