હમાસે ઇઝરાયલ પર અચાનક હુમલો કરી દીધા બાદ બંને વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે, જે દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઇ રહ્યો છે. હવે આ અંગે અમેરિકન લેખક થોમસ ફ્રીડમેનની પ્રતિક્રિયાઓ જાણવા મળી છે. તેમણે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ 26/11ના હુમલા અંગે ભારતની પ્રતિક્રિયામાંથી ઈઝરાયેલે કંઈક શીખવું જોઈએ કારણ કે વડાપ્રધાન મનમોહન સિંહે લશ્કરી રીતે જવાબી કાર્યવાહી ન કરવાનું પસંદ કર્યું હતું.
અમેરિકન લેખક થોમસ ફ્રીડમેને ઇઝરાયલ-હમાસ સંઘર્ષની ચર્ચા કરતા એક લેખમાં 2008ના મુંબઇ આતંકવાદી હુમલા અંગેના તેમના નિયંત્રિંત પ્રતિભાવ માટે ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી છે. એક જાણીતા અમેરિકન અખબારમાં પ્રકાશિત થયેલ ફ્રીડમેનનો લેખ સિંઘના સંયમ અને તાજેતરના હમાસ હુમલાઓ અંગે ઈઝરાયેલના પ્રતિભાવ વચ્ચે સરખામણી કરે છે.
નોંધનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ લશ્કર-એ-તૈયબા (LeT) ના કેટલાક આતંકવાદીઓએ મુંબઈમાં શ્રેણીબદ્ધ હુમલા કર્યા ત્યારે મનમોહન સિંહ દેશના વડા પ્રધાન હતા. હૉસ્પિટલ, રેલવે સ્ટેશન અને વૈભવી હોટેલો પર કરવામાં આવેલા આ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. અમેરિકન લેખક ફ્રિડમેને લશ્કરી રીતે બદલો ન લેવાના મનમોહન સિંહના નિર્ણયની પ્રશંસા કરી હતી. ફ્રિડમેને કહ્યું, “ભારતના 26/11ના હુમલા અંગે મનમોહન સિંહનો લશ્કરી પ્રતિભાવ શું હતો? તેમણે કંઈ કર્યું ન હતું.
મનમોહન સિંહે ક્યારેય પાકિસ્તાન અથવા પાકિસ્તાનમાં લશ્કરના કેમ્પો સામે લશ્કરી રીતે બદલો લીધો ન હતો. તે સંયમનું અદ્ભુત કાર્ય હતું” ફ્રીડમેને ભૂતપૂર્વ ભારતીય વિદેશ સચિવ શિવશંકર મેનનને પણ ટાંક્યા હતા, જેમણે એ સમયે ભારપૂર્વક જણાવ્યું હતું કે 26/11ના હુમલા પછી લશ્કરી પ્રતિશોધથી દૂર રહેવું એ તે સમયે યોગ્ય કાર્યવાહી હતી.
અમેરિકન લેખક થોમસ ફ્રીડમેનના લેખમાં આતંકવાદી કૃત્યો પર પ્રતિક્રિયા આપવા માટે ભારત અને ઇઝરાયેલના વિરોધાભાસી અભિગમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઑક્ટોબર 7 ના રોજ હમાસના હુમલા બાદ ઇઝરાયેલ ગાઝા પર હવાઈ હુમલાઓ કરી રહ્યું છે, જેમાં હજારો નિર્દોષોની જાનહાનિ થઇ રહી છે. ઇઝરાયલે હમાસ ખતમ ન થાય ત્યાં સુધી આક્રમણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને યુદ્ધવિરામના કોલને નકારી કાઢ્યો છે. તેનાથી વિપરિત, મનમોહન સિંહના નેતૃત્વમાં 2008ના મુંબઈ હુમલા અંગે ભારતનો પ્રતિભાવ લશ્કરી પ્રતિશોધ ટાળવા અને રાજદ્વારી પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
એ જાણીતી વાત છે કે આ હુમલા સમયે કોંગ્રેસના નેતાઓએ હિંદુ આતંકવાદની વાત ફેલાવી હતી અને આ હુમલા માટે હિંદુઓ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો . દિગ્વિજય સિંહે 26/11 RSS ષડયંત્ર નામનું પુસ્તક પણ લોન્ચ કર્યું હતું , પરંતુ 10 આતંકવાદીઓમાંથી જીવતા પકડાયેલા એક આતંકવાદી અજમલ કસાબે કબૂલાત કરી હતી કે પાકિસ્તાને તેને જેહાદ કરવા માટે ભારતમાં મોકલ્યો હતો.
આ આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ કોંગ્રેસ સરકાર પાસે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર જવાબી હુમલા માટે પરવાનગી માંગી હતી, પરંતુ સરકારે તે આપી ન હતી. એ સમયે સોનિયા ગાંધીએ ગાદીએ બેસાડેલા ડમી વડા પ્રધાન મનમોહન સિંહે અમેરિકી રાષ્ટ્રપતિને કહ્યું હતું કે, અમે મુંબઈ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબ આપવા માંગતા નથી કારણ કે તેનાથી મુસ્લિમ સમુદાય અમારાથી નારાજ થઇ જશે. પાકિસ્તાન અમારા પર ગમે તેટલા આતંકવાદી હુમલા કરે તો પણ વોટના નુકસાનને ધ્યાનમાં રાખીને અમે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશું નહીં.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને