દિલ્હીના જ્વેલરીના શોરૂમાંથી 25 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી, દિવાલ તોડીને ઘુસ્યા તસ્કરો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંગપુરા વિસ્તારમાં એક જ્વેલરી શોરૂમમાં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દિવાલ તોડીને કરોડો રૂપિયાના ઘરેણાની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જ્વેલરની છે.
જ્વેલરી શોરૂમની દિવાલમાં બાકોરું પાડીને તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દિલ્હીના ભોગલ વિસ્તારમાં એક જ્વેલરી શોપમાંથી ચોરોએ લગભગ 25 કરોડ રૂપિયાની ચોરી કરી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના અંગે જ્વેલરી શોરૂમના માલિકે જણાવ્યું હતું કે અંદાજે 20 થી 25 કરોડ રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. હું રાબેતા મુજબ રવિવારે દુકાન બંધ કરી ઘરે ગયો હતો. સોમવારે શોરૂમ બંધ હોય છે. આજે સવારે હું આવ્યો ત્યારે જોયું તો સોના-ચાંદીની વસ્તુઓ ગાયબ હતી. આ ઘટનાને અંજામ આપનાર ચોરો છત તોડીને શોરૂમમાં પ્રવેશ્યા હતા.