સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ખોલી દેવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે. મધ્ય પ્રદેશના ઈન્દીરા સાગર ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર સુધી ખોલાયા છે અને સિઝનમાં પ્રથમવાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના ૧૦ દરવાજા બપોરે ૧૨ કલાકે ૧.૪૦ મીટર સુધી ખોલી રિવરબેડ પાવર હાઉસમાંથી કુલ ૧,૪૫,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. બપોરે ૧ વાગ્યે ડેમની પાણીની સપાટી ૧૩૬.૩૬ મીટરે પહોંચી હતી. બપોરે ૩ વાગ્યેપાણીની આવક ૯,૧૬,૮૯૫ ક્યુસેક હતી. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક ૮,૧૧,૩૪૦ ક્યુસેક છે. નદીમાં કુલ પાણીની જાવક ૧,૪૨,૧૬૬ ક્યુસેક છે. છેલ્લા એક કલાકમાં ડેમની સપાટીમાં ૨૫ સે.મી.નો વધારો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે પાંચ કલાકે પાણીની સપાટી ૧૩૭.૩૨ મીટર, મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર પાણીની આવક ૧૨,૯૦,૬૮૯ ક્યુસેક છે. સાંજે પાંચ કલાકે ૨૩ દરવાજા ૫.૬૦ મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ ૯,૪૫,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એક કલાકમાં પાણીની સપાટીમાં ૨૫-૩૨ સે.મી.નો વધારો નોંધાઇ રહ્યો છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે. ભરૂચ નર્મદા વડોદરા સહિત નીચાણવાળાં ગામોના વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરી કાંઠાનાં ગામોમાં એલર્ટ અપાઇ રહ્યું છે.