દેશમાં Net Direct Tax કલેક્શનમાં 22 ટકાનો વધારો, આટલા કરોડ થયું કલેક્શન
નવી દિલ્હી: દેશમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 11 ઓગસ્ટ સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ(Net Direct Tax)કલેક્શન 22.48 ટકા વધીને લગભગ રૂપિયા 6.93 લાખ કરોડ થયું છે. આ કલેક્શનમાં રૂપિયા 4.47 લાખ કરોડના વ્યક્તિગત આવકવેરા કલેક્શન અને રૂપિયા 2.22 લાખ કરોડના કોર્પોરેટ ટેક્સ કલેક્શનનો સમાવેશ થાય છે. સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માંથી રૂપિયા 21,599 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કરમાંથી સરકારે રૂપિયા 1,617 કરોડની કમાણી કરી હતી.
આ પણ વાંચો: પ્રોપર્ટી ટેક્સમાં વધારો નથી કર્યો તો આવક કયાંથી લાવવી? ડિફોલ્ટર મોબાઈલ ટાવરધારકો હવે પાલિકાના રડાર પર છે
કર વસૂલાતમાં વધારો થવાનું કારણ
આ આંકડા અનુસાર, આ વર્ષે 1 એપ્રિલથી 11 ઓગસ્ટની વચ્ચે 1.20 લાખ કરોડ રૂપિયાના રિફંડ રીલીઝ કરવામાં આવ્યા હતા. જે 33.49 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2023-24ની આવક માટે ફાઈલ કરવામાં આવેલા ઈન્કમ રિટર્નમાં થયેલા વધારાને કારણે ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે. જે વ્યક્તિઓ અને સંસ્થાઓએ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી તેમના માટે આવક રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. આ સમયગાળા દરમિયાન, 31 જુલાઈ સુધી રેકોર્ડ 7.28 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ‘વન નેશન વન ટેક્સ’ હેઠળ અમને લાભ આપો: રાજકોટ ટ્રાવેલ એસોસિએશન
ડાયરેક્ટ ટેક્સ એકત્રિત કરવાનો લક્ષ્યાંક
ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 24 ટકા વધીને રૂપિયા 8.13 લાખ કરોડ થયું છે. આ સંગ્રહમાં રૂપિયા 4.82 લાખ કરોડનો વ્યક્તિગત આવકવેરો (PIT) અને રૂપિયા 3.08 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કરમાંથી રૂપિયા 22.07 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે ગયા નાણાકીય વર્ષ કરતાં 13 ટકા વધુ છે.
આ પણ વાંચો: આ દેશો એક રૂપિયો ટેક્સ નથી લેતા, તો ય તેમની અર્થવ્યવસ્થા ચાલે છે
આવકવેરાની વસૂલાત છેલ્લા બે વર્ષમાં કોર્પોરેટ ટેક્સ કરતાં વધી
વ્યક્તિગત આવકવેરાની વસૂલાત છેલ્લા બે વર્ષમાં કોર્પોરેટ ટેક્સ કરતાં વધી ગઈ છે કારણ કે આવકમાં વધારો થયો છે. સરકાર ડિવિડન્ડ પરનો ટેક્સ કંપનીઓને બદલે વ્યક્તિગત કરદાતાઓ પાસેથી વસૂલે છે. જુલાઈમાં નાણાકીય વર્ષ 25 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકાર કરને સરળ બનાવવાના પ્રયાસો ચાલુ રાખશે.