સાંસદ પદ ગયું તો પણ જતો નથી બંગલાનો મોહ, 200 પૂર્વ સાંસદોને અપાઇ નોટિસ
નવી દિલ્હીઃ લોકસભાના 200થી વધુ ભૂતપૂર્વ સાંસદોને લ્યુટિયન જોન્સના બંગલા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ એવા નેતાઓ છે કે જેઓ ચૂંટણી હારી ગયા છે અથવા જેમની સંસદ સભ્યતા સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ તેઓ નિયમો અનુસાર એક મહિનાની મર્યાદા વટાવી ગયા હોવા છતાં તે બંગલાઓ પર કબજો જમાવીને બેઠા છે. લોકસભાની હાઉસિંગ કમિટીએ આવા ભૂતપૂર્વ સાંસદોને તેમના બંગલા જલદીથી સોંપી દેવા માટે કહ્યું છે જેથી નવા સાંસદોને બંગલા ફાળવી શકાય.
પૂર્વ સાંસદોએ ગત લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાના હોય છે, પરંતુ આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં પૂર્વ સાંસદો બંગલો ખાલી કરી રહ્યા નથી. “જો ભૂતપૂર્વ સાંસદો બંગલો ખાલી કરવામાં નિષ્ફળ જશે, તો તેમની વિરુદ્ધ ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ટીમોને તેમના સરનામા પર મોકલવામાં આવશે,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
લોકસભાની ગૃહ સમિતિ સાંસદોને રહેઠાણ ફાળવે છે, જ્યારે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળના એસ્ટેટ ડિરેક્ટોરેટ મંત્રીઓને બંગલા ફાળવે છે. સૂત્રોએ જણાવ્યું કે મોદી સરકાર-3.0ના શપથ લીધાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી નવા મંત્રીઓને કોઈ બંગલા ફાળવવામાં આવ્યો નથી.