માઓવાદીઓને હથિયાર સપ્લાય કરવા બદલ 20 સૈનિકોને 10 વર્ષની જેલની સજા

માઓવાદીઓને હથિયારો સપ્લાય કરવા બદલ પીએસી, સીઆરપીએફના 20 જવાનોને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. એક દાયકા સુધી ચાલેલા ટ્રાયલ બાદ યુપીના રામપુરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે 24 દોષિતોને સજા સંભળાવી. રાજ્ય પ્રાદેશિક આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના 20 સુરક્ષા કર્મચારીઓને અને ચાર નાગરિકોને માઓવાદીઓ અને ગુનેગારોને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
કોર્ટે શુક્રવારે આપેલા પોતાના આદેશમાં દરેકને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. યુપી પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે કે, “છત્તીસગઢના દંતેવાડામાં CRPF જવાનો પર થયેલા હુમલા પછી, એવી જાણ કરવામાં આવી હતી કે સ્થળ પરથી ખાલી કારતુસ મળી આવ્યા હતા. જે બાદ અમે STF સાથે સંકલન કર્યું હતું. તપાસ બાદ જાણવા મળ્યું કે અધિકારીઓએ જ શસ્ત્રો અને દારૂગોળો માઓવાદીઓને આપ્યો હતો.”
તપાસ ટીમમાં સામેલ એક ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2010માં દંતેવાડામાં CRPFના 76 જવાનોની હત્યા કરનારા માઓવાદીઓ સાથે દોષિતોનો સંબંધ હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે દંતેવાડાની ઘટના બાદ STF લખનઉને ઈનપુટ મળ્યા હતા કે રામપુરમાંથી કેટલાક હથિયારો અને પ્રયાગરાજથી દારૂ ગોળો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. જે બાદ તરત જ એસટીએફની ટીમ બનાવવામાં આવી હતી. તપાસ આગળ વધતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે કહ્યું, સીઆરપીએફ એ દેશમાં આંતરિક અશાંતિ સામનો કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક અનામત લશ્કરી દળ છે. આ દળના વિનેશ અને વિનોદ નામના બે અધિકારીઓએ પોલીસ અધિકારીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આવો સંગઠિત અપરાધ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. આ સાંઠગાંઠમાં ચાર નાગરિકો સામેલ હતા. તમામ 24 દોષિતોએ આ સંગઠિત અપરાધ માત્ર નફો મેળવવા માટે કર્યો હતો.
એસટીએફ દ્વારા 25 લોકો સામે ચાર્જશીટ કરવામાં આવી હતી અને કેસ 2011માં સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવ્યો હતો. એપ્રિલ-મે 2010માં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને જામીન મળી ગયા હતા. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું અવસાન થયું હતું.