વિજયે વચન પૂરૂ કર્યું: કરુર દુર્ઘટનાના પીડિતોના પરિજનના ખાતામાં જમા કર્યા રૂ. 20-20 લાખ

ચેન્નઈ: વર્ષ 2025માં ઘણી દુર્ઘટનાઓ સર્જાઈ છે. કરુર દુર્ઘટના પણ આવી દુર્ઘટનાઓ પૈકીની એક દુર્ઘટના છે. દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા-રાજકારણી વિજયની રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ની કરુર ખાતેની રેલીમાં નાસભાગ થઈ હતી. આ દુર્ઘટનાના મૃતકોને વિજય દ્વારા 20-20 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
પરિજનોના ખાતામાં જમા થઈ રકમ
અભિનેતા-રાજકારણી વિજયના રાજકીય પક્ષ, તમિલગા વેત્રી કઝગમ (TVK)એ શનિવારે જાહેરાત કરી છે કે, “27 સપ્ટેમ્બરના રોજ કરુરમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ₹20 લાખની સહાય આપવામાં આવી છે.” TVK દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું કે “ઓગણચાલીસ પરિવારોને રૂ. 20 લાખની રકમ મોકલવામાં આવી છે, જે કુલ રૂ. 7.8 કરોડ થાય છે.” આ રકમ અસરગ્રસ્ત પરિવારોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી છે.
કરુરમાં વિજયની રેલી દરમિયાન થયેલી આ દુ:ખદ ભાગદોડમાં 41 લોકો માર્યા ગયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, TVKએ મૃતકોના પરિવારજનોને રૂ. 20 લાખ અને ઘાયલોને રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી હતી. ભાગદોડમાં પોતાની પુત્રી ગુમાવનાર સેલ્વરાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, “TVKના સભ્યોએ રૂ. 20 લાખ જમા કરાવવા માટે મારા બેંક ખાતાની વિગતો મેળવી હતી. તે મુજબ, આજે રકમ મારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.”
વિજયે પત્ર લખીને વ્યક્ત કરી સંવેદના
TVKના એક અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેતાએ મૂળરૂપે અસરગ્રસ્ત પરિવારોને વ્યક્તિગત રીતે મળીને સાંત્વના આપ્યા બાદ સહાય વિતરણ કરવાની યોજના બનાવી હતી, પરંતુ તેમણે રાહત ભંડોળ પહેલા તેમના સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું નક્કી કર્યું. અન્ય અસરગ્રસ્ત પરિવારોને પણ આ સહાય પ્રાપ્ત થશે.
અભિનેતા વિજયે એક પત્રમાં પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. વિજયે પત્રમાં જણાવ્યું છે કે, “કરુરમાં બનેલી અસહ્ય દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ અને અમારા પરિવારના સભ્યોના નુકસાન પર શોક વ્યક્ત કરીએ છીએ. અમે તમને ફરી એકવાર ખાતરી આપીએ છીએ કે આ સમય દરમિયાન અમે શક્ય તમામ ટેકો અને સાંત્વના આપવા માટે ત્યાં હાજર રહીશું.” વિજયે પત્રમાં ઉલ્લેખ કર્યો કે,” 28 સપ્ટેમ્બરના રોજ અગાઉ જાહેરાત કર્યા મુજબ, TVKએ RTGS દ્વારા આજે અસરગ્રસ્ત પરિવારોને રૂ. 20 લાખ મોકલ્યા છે અને તેમને આ દાન સ્વીકારવા નમ્ર વિનંતી કરી છે. પાર્ટીએ અગાઉ એ પણ જાહેરાત કરી હતી કે તે પીડિતોના પરિવારોને દત્તક લેશે અને તેમને લાંબા ગાળાના પગલા તરીકે શિક્ષણ અને રોજગારમાં મદદ કરશે.”