ટોપ ન્યૂઝનેશનલ

દેશભરના 20 ક્રિકેટ સ્ટેડીયમ પરવાનગી વગર ભૂગર્ભ જળનો ઉપયોગ કરી રહ્યા છે, NGTની નોટિસ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT) એ દેશભરના 20 સ્ટેડિયમોને પરવાનગી વિના ભૂગર્ભજળના ઉપયોગ કરતા હોવા અંગે નોટીસ જાહેર કરી છે. એનજીટીએ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીને નોટિસ પાઠવી સ્ટેડીયમ્સ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે રિપોર્ટ માંગ્યો છે.

ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, જસ્ટિસ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય ડૉ એ સેંથિલ વેલની બનેલી બેન્ચે આ આદેશ આપ્યા હતા. NGTએ સ્પષ્ટતા કરી છે કે જે સ્ટેડિયમ માપદંડોને પૂર્ણ કરતા નથી તેના પર દંડ ફટકારવા અને વળતર વસુલવા અંગે પ્રસાશને વિગતવાર જણાવવું જોઈએ. NGTએ જલ શક્તિ મંત્રાલયના અહેવાલને ધ્યાનમાં લીધા પછી નોટીસ પાઠવી હતી.

દેશભરના 24 ક્રિકેટ સ્ટેડિયમમાં બોરવેલ અથવા ટ્યુબવેલ મળી આવ્યા હતા. તેમાંથી 20 સ્ટેડિયમ પાસે ભૂગર્ભજળનો ઉપયોગ કરવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નથી. દેશમાં આવા માત્ર ચાર સ્ટેડિયમ છે જે નિયમો અનુસાર છે.
એક જાગરુક નાગરિકે ક્રિકેટ મેદાનની જાળવણી માટે ભૂગર્ભજળના ઉપયોગ સામે અરજી દાખલ કરી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP) અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સમાંથી ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવા જેવા વિકલ્પો છોડીને ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો ભૂગર્ભજળનો ઉપયોગ રમતના મેદાન માટે કરવામાં આવે તો લોકો પીવાના પાણીથી વંચિત રહી જશે.

ટ્યુબવેલ ધરાવતા દેશભરના 26 સ્ટેડિયમોમાંથી માત્ર ચાર સ્ટેડિયમ જ તમામ નિયમો પાડે છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા અમદાવાદ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગ્લોર, વીસીએ સ્ટેડિયમ જામથા નાગપુર અને જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ રાંચીનો સમાવેશ થાય છે. ચારેય પાસે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને કેન્દ્ર સરકાર દ્વારા ભૂગર્ભજળનો ઉપયોગ કરવા માટે આપવામાં આવેલ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે.

દેશમાં આવા 10 ક્રિકેટ સ્ટેડિયમ એવા છે જે કોઈ નિયમોનું પાલન નથી કરી રહ્યા. તેમાં ન તો વરસાદી પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા છે કે ન તો ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ. તેમની પાસે ભૂગર્ભજળનો ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ નથી. આ સિવાય દેશના 12 સ્ટેડિયમ આંશિક રીતે નિયમોનું પાલન કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button