હરિયાણામાં મોડી રાત્રે 2.6ની તીવ્રતાનો ભૂકંપ, રોહતક નજીક કેન્દ્ર
હરિયાણામાં રવિવારે મોડી રાત્રે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે રોહતક અને આસપાસના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રવિવારે રાત્રે 11.26 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકથી 7 કિમી પૂર્વ દક્ષિણ-પૂર્વમાં ખેડી સાધ ગામ હતું. ભૂકંપની ઊંડાઈ ધરતીથી પાંચ કિલોમીટર નીચે નોંધવામાં આવી હતી. આ ભૂકંપને કારણે જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 5 સપ્ટેમ્બરના રોજ હરિયાણામાં એક જ દિવસમાં બે વખત ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનો પહેલો આંચકો રાત્રે 12:27 વાગ્યે અને બીજો આંચકો 1:44 વાગ્યે આવ્યો હતો. 12:27 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ગામ પોલાંગી હતું અને તેની તીવ્રતા 2.6 હતી, જ્યારે 01:44 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર આસન ગામ હતું, આ ભૂકંપની તીવ્રતા 2.7 નોંધવામાં આવી હતી.
ઉત્તરાખંડના દેહરાદૂનથી હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સુધી જમીનની નીચે ફોલ્ટ લાઇન છે. તેમાં અસંખ્ય તિરાડો હોવાને કારણે તેમાં ગતિવિધિઓ થતીરહે છે. જ્યારે પ્લેટો ખસેછે, ત્યારે તેઓ એકબીજા સાથે અથડાય છે અને કંપન પેદા કરે છે, જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે.