મુસ્લિમ અનામત, હની ટ્રેપ મુદ્દે કર્ણાટક વિધાનસભામાં ધમાલઃ ભાજપના 18 ધારાસભ્ય સસ્પેન્ડ

બેંગલુરુ: આજનો દિવસ કર્ણાટક વિધાનસભામાં હંગામાનો રહ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ હની ટ્રેપ અને મુસ્લિમો માટે ચાર ટકા અનામત અંગે ગૃહમાં નારેબાજી કરી હતી. વિધાનસભામાં ભાજપનાં ધારાસભ્યોએ બિલની કોપીને ફાડી નાખી હતી અને અધ્યક્ષની ખુરશી તરફ ફેંકી હતી. આથી અધ્યક્ષનાં આસનનું અનાદર કરવાના આરોપમાં ભાજપનાં 18 ધારાસભ્યોને તાત્કાલિક અસરથી છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ યુટી ખાદેરે વિધાનસભાની કાર્યવાહીમાં વિક્ષેપ પહોંચાડનારા ધારાસભ્યો સામે આ કાર્યવાહી કરી હતી. વિધાનસભામાં હોબાળો મચાવનારા ભાજપના ધારાસભ્યો પર માત્ર સ્પીકરના આદેશનો અનાદર કર્યો ન હતો પરંતુ અનુશાસનહીન અને અનાદરપૂર્ણ વર્તન પણ કર્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે વિધાનસભામાં તેમના સસ્પેન્શન માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આપણ વાંચો: કંડલા પોર્ટના આધેડ વયના કર્મચારી હની ટ્રેપમાં ફસાયા! ટોળકીએ 23 લાખ પડાવી લીધાં…
ધારાસભ્યોને બળજબરીથી બહાર કાઢ્યા
કર્ણાટક વિધાનસભાના સ્પીકરનાં હોદ્દાનો અનાદર કરવાના આરોપસર ભાજપના 18 ધારાસભ્યોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ માર્શલે કર્ણાટક વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ભાજપના ધારાસભ્યોને બળજબરીથી બહાર કાઢ્યા હતા. કર્ણાટક વિધાનસભામાં હંગામો કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા 18 ભાજપના ધારાસભ્યોમાં દોડ્ડાનાગૌડા પાટિલ, અશ્વથ નારાયણ અને મુનિરત્નનો સમાવેશ થાય છે.
CM, MLAનાં પગારમાં વધારો
ગૃહમાં કાર્યવાહી દરમિયાન, વિપક્ષ ભાજપ અને જનતા દળ (એસ) ના સભ્યોએ એક મંત્રી અને અન્ય રાજકારણીઓ સાથે સંકળાયેલા કથિત ‘હની-ટ્રેપ’ કેસમાં હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા ન્યાયિક તપાસની માંગ કરી હતી. ભાજપના ધારાસભ્યોના હોબાળા વચ્ચે, સરકારે મુખ્ય પ્રધાન, પ્રધાનો અને વિધાન સભ્યોના પગારમાં 100 ટકા વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું.