કુદરતનો કેર: દેશના ચાર રાજ્યમાં ભીષણ અકસ્માતમાં 17 લોકોનાં મોત, 40થી વધુ ઘાયલ…

નવી દિલ્હી: આજનો દિવસ કુદરતે અકસ્માતો માટે અનામત રાખ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આજે દેશમાં જુદા જુદા 4 રાજ્યોમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. દેશના ચાર અલગ-અલગ રાજ્યો – રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતોમાં કુલ 17 લોકોના કરુણ મોત થયા, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ જીવલેણ અકસ્માતમાં ગુજરાત સહિત રાજસ્થાનમાં સૌથી વધુ જાનહાનિ થઈ હતી.
રામદેવરા જતા શ્રદ્ધાળુઓનું મોત
ગુજરાતના સાબરકાંઠા અને ધનસુરા જિલ્લાના લગભગ 20 લોકો ટેમ્પોમાં બેસીને રામદેવરાના ખાતે રામાપીરના દર્શન કરવા જઈ રહ્યા હતા. તેમના ટેમ્પાનો રાજસ્થાનના જોધપુર અને બા લેસર વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ વહેલી સવારે લગભગ 5 વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. ખારીબારી ગામ નજીક ટેમ્પો અને અનાજની બોરીઓ ભરેલા ટ્રેલર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 મહિલાના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે વધુ ત્રણ લોકોના મોત હોસ્પિટલની સારવાર દરમિયાન થયા હતા. આ ઉપરાંત 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને જોધપુરના મથુરા દાસ માથુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
સાબરકાંઠામાં જીપ ખાડામાં પડતા બેનાં મોત
ગુજરાતના સાબરકાંઠાના પોશિના તાલુકામાં ચંદ્રાના ગામ પાસે બે કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ બંને જીપ રસ્તા પરથી ખાડામાં પડી ગઈ હતી. એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક 2 થયો છે. આ અકસ્માતમાં 18થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના ગ્લાલિયરમાં ફોર્ચ્યુનરની કાર સાથે ટક્કર
રાજસ્થાનની જેમ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પણ મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. ગ્વાલિયર-ઝાંસી હાઇવે પર માલવા કોલેજની સામે રેતી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને ફોર્ચ્યુનરમાં સવાર પાંચેય યુવાનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. પોલીસ મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં એક જ પરિવારના 4 સભ્યનાં મોત
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં બે વાહનો વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. મૃતકોમાં 10 વર્ષની બાળકી ઝૈનબ, નિસાર અહેમદ રાથર (40), બશીર અહેમદ રાથર (36), અને ખાતુન (60)નો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સાત અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં મોટા ભાગની મહિલાઓ છે. પાંચ ઘાયલોને ગંભીર હાલતમાં શ્રીનગરની SMHS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અકસ્માતની વિવિધ બનાવને મળીને કુલ 17 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતની આ ઘટનાઓને લઈને સ્થાનિક પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો…રામદેવરા જતાં સાબરકાંઠાના શ્રદ્ધાળુઓનો જોધપુર-જૈસલમેર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ૫નાં મોત



