
નવી દિલ્હી: સંસદમાં સાંસદોની કામગીરી દેખાય છે. તેઓને કામગીરી બદલ પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. પોતાના કાર્યકાળમાં સારું યોગદાન આપનાર સાંસદોને ‘સંસદ રત્ન‘ એવોર્ડ આપવામાં આવે છે. તાજેતરમાં વર્ષ 2025 માટે ‘સંસદ રત્ન’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપના 10 સાંસદોને મળશે ‘સંસદ રત્ન’
સંસદમાં સારું પ્રદર્શન કરનારા 17 સાંસદોને ‘સંસદ રત્ન’ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના 10, શિવસેનાના 2 તથા NCP SP, કૉંગ્રેસ, શિવસેના(યુબીટી), ડીએમકે તથા રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીના એક-એક સાંસદના નામની જાહેરાત કરવામાં આવી છે.
આપણ વાંચો: સંસદ મહારત્ન પુરસ્કાર માટે શિવસેનાના સાંસદ સહિત પાંચની પસંદગી
‘સંસદ રત્ન’ એવોર્ડ મેળવનાર ભાજપના સાંસદોમાં નિશિકાંત દુબે, ભર્તૃહરી મહતાબ, મેધા કુલકર્ણી, સ્મિતા વાઘ, રવિ કિશન, પ્રવીણ પટેલ, વિદ્યુત બરન મહતો, પી. પી. ચૌધરી, મદન રાઠોડ, દિલીપ સાઇકિયાનો સમાવેશ થાય છે. જ્યારે શિવસેનાના સાંસદ શ્રીરંગ આપ્પા બારણે અને નરેશ મહસકેને આ એવોર્ડ મળવાનો છે.
આ ઉપરાંત NCP SPના સાંસદ સુપ્રિયા સુળે, કૉંગ્રેસના સાંસદ ગાયકવાડ વર્ષા એકનાથ, શિવસેના(યુબીટી)ના સાંસદ અરવિંદ સાવંત, ડીએમકેના સાંસદ સી. એન. અન્નાદુરૈ તથા રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીના સાંસદ એન. કે. પ્રેમચંદ્રનને પણ ‘સંસદ રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભર્તૃહરિ મહતાબ, એનકે પ્રેમચંદ્રન, સુપ્રિયા સુલે અને શ્રીરંગ અપ્પા બાર્નેએ 16મી લોકસભાથી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું છે.