સ્વામી ચૈતન્યાનંદ સામે 17 છોકરીઓના જાતિય શોષણની ફરિયાદઃ હોસ્ટેલના રૂમમાં કેમેરા લગાવ્યા, છોકરીઓને રાત્રે બોલાવતા

નવી દિલ્હી: આદી શંકરાયાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલા ચાર મઠ પૈકીના શૃંગેરી મઠ દ્વારા દેશની રાજધાની દિલ્હીમાં શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ નામની શૈક્ષણિક સંસ્થા ચલાવવામાં આવે છે, જે હાલ પોતાના એક સંત અને કર્મચારીને લઈને ચર્ચામાં આવી છે. શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવેલા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી વિરુદ્ધ વિદ્યાર્થિનીઓના જાતિય શોષણ અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ પોલીસને આપેલા નિવેદનમાં સ્વામી ચૈતન્યાનંદના કાળા કરતૂતોને ખુલ્લા પાડ્યા છે.
હોસ્ટેલમાં લગાવ્યો હતો છુપી રીતે કેમેરો
દિલ્હીના વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. FIRમાં જણાવ્યા પ્રમાણે “વિદ્યાર્થિનીઓની હૉસ્ટેલમાં સુરક્ષાના નામે છૂપા કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થિનીઓને મોડી રાત્રે પોતાના રુમમાં બોલાવતો હતો.
વિદ્યાર્થિનીઓને વિદેશ પ્રવાસ અને મોડી રાત્રે પોતાના પ્રાઈવેટ રૂમમાં બોલાવવા માટે તે દબાણ કરતો હતો. એક વિદ્યાર્થિનીને સ્વામીએ નવું નામ રાખવા માટે મજબૂર કરી હતી. કોલેજના ડીન સહિત અમુક સ્ટાફ વિદ્યાર્થિનીઓને સ્વામીની માંગ પૂરી કરવા માટે મજબૂર કરતો હતો અને તેમની ફરિયાદને દબાવી દેતો હતો. જે વિદ્યાર્થિનીઓ વિરોધ કરતી તેમને સસપેન્ડ કરવાની અને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હતી.
વોર્ડન વિદ્યાર્થિનીઓને પકડીને લઈ જતી
આ સિવાય FIRમાં જણાવવામાં આવ્યું છે કે સ્વામી ચૈતન્યાનંદ વોટ્સએપ અને એસએમએસ દ્વારા પણ વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો. આ રીતે વિદ્યાર્થિનીઓની માનસિક અને શારીરિક રીતે સતામણી કરવામાં આવતી હતી. વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓને ભણતરની સાથોસાથ તેમનું ભવિષ્ય દાવ પર લગાવવાની પણ ધમકી આપવામાં આવતી હતી.”
શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટની હૉસ્ટેલમાં રહેતી 36 વિદ્યાર્થિનીએ પોલીસ તપાસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. 36 પૈકીની 17 વિદ્યાર્થિનીએ મેજિસ્ટ્રેટ સામે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્વામી ચૈતન્યાનંદ તેઓને ગાળો બોલતો હતો, અભદ્ર મેસેજ મોકલતો હતો અને ન કરવાની હરકતો કરવાનો પ્રયાસ કરતો હતો. ત્રણ મહિલા વોર્ડન બળજબરીપૂર્વક વિદ્યાર્થિનીઓને સ્વામી ચૈતન્યાનંદના રૂમ સુધી લઈ જતી હતી, એવું પણ વિદ્યાર્થિનીઓએ નિવેદન આપ્યું હતું.
ચૈતન્યાનંદ ફરાર
ઉલ્લેખનીય છે કે, પોલીસ ફરિયાદ બાદ ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી ફરાર થઈ ગયો છે. પોલીસને તેની સંસ્થાના ભોંયરામાંથી એક વોલ્વો કાર મળી આવી હતી. કારમાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ મળી હતી. જયારે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ દૂતાવાસ નંબર પ્લેટ ઇસ્યુ કરવામાં આવી ન હતી. આ કારનો ઉપયોગ સ્વામી ચૈતન્યનંદ દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આ મામલે બીજો કેસ નોંધવામાં આવ્યો છે તેમ જ કાર જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો…સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર જાતીય શોષણ અને છેતરપિંડીનો કેસ દાખલ, પોલીસે તપાસ શરુ કરી