પંદર વર્ષની દીકરીને મહિનામાં છ વખત સાપ કરડ્યો, પરિવારમાં ડરનો માહોલ, જાણો સમગ્ર કિસ્સો…

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે કારણે સમગ્ર ગામમાં ભયનું વાતાવરણમાં ફેલાવ્યું છે. સિરાથુ તાલુકાના ભેંસહાપર ગામની 15 વર્ષની રિયા મૌર્ય નામની કિશોરીને એક જ મહિનામાં છ વખત સાપે ડંખ માર્યો છે.
આ ઘટનાએ ગામલોકોને ડરના માર્યા પલાયન વિશે વિચારવા મજબૂર કર્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ ઝાડ-ફૂંકનો સહારો લઈ રહ્યા છે. આ કિસ્સો હવે આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે, રિયાના પિતા રાજેન્દ્ર મૌર્યના જણાવ્યા અનુસાર, 22 જુલાઈ, 2025ના રોજ ખેતરે જતી વખતે રિયાને પ્રથમ વખત સાપે ડંખ માર્યો હતો. તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાઈ, અને સારવાર બાદ તે સ્વસ્થ થઈ. પરંતુ 13 ઓગસ્ટે ફરી સાપે ડંખ માર્યો.
જે બાદ તેની હાલત ગંભીર થતાં પ્રયાગરાજ રિફર કરવામાં આવી. પરિવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી. આશ્ચર્યજનક રીતે, 27થી 30 ઓગસ્ટની સવાર સુધીમાં સાપે રિયાને ચાર વખત ડંખ માર્યો, ક્યારેક નાહતી વખતે તો ક્યારેક ઘરકામ કરતી વખતે.
આ મામલે રિયાએ મીડિયાને જણાવ્યું કે સાપ ઘેરા કાળા રંગનો છે, જેના પર લીલી ધારીઓ છે. ડંખ માર્યાના એક કલાક બાદ તે બેહોશ થઈ જાય છે, અને હોશ આવે ત્યારે પોતાને ક્યારેક હોસ્પિટલમાં તો ક્યારેક ઝાડ-ફૂંક કરનારા તાંત્રિક પાસે જુએ છે.
સતત થતી આ ઘટનાઓથી ગભરાઈને રિયાના નાના ભાઈ-બહેનો નાની માતા પાસે ચાલ્યા ગયા છે. રિયાનો પરિવાર કાચા ઝૂંપડામાં રહે છે અને હવે આ ઘટનાઓથી તે ગામ છોડવાનું વિચારી રહ્યો છે, કારણ કે સારવારમાં તેમની બચત ખૂટી ગઈ છે.
જ્યારે આ મામલે સિરાથુ સામુદાયિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. અખિલેશ સિંહે આ ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે રિયાને ત્રણ વખત હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. દરેક વખતે તેના પગ પર સાપના ડંખના નિશાન જોવા મળ્યા, અને તેને એન્ટી-વેનમ ડોઝ આપવામાં આવ્યો.
બે વખત તેને જિલ્લા હોસ્પિટલ રિફર કરાઈ. ડોક્ટરોનું કહેવું છે કે એક જ બાળકીને વારંવાર સાપ ડંખે તે આશ્ચર્યજનક છે. ગ્રામજનોનો આરોપ છે કે વન વિભાગે સાપને પકડવાના કોઈ પ્રયાસ કર્યા નથી, અને પ્રશાસન પણ પરિવારની મદદ માટે આગળ આવ્યું નથી.
આ પણ વાંચો…મધ્ય પ્રદેશમાં મહિલાએ 3 સાપોલિયાંને આપ્યો જન્મ ? ડોક્ટરે શું કહ્યું ?