જગન્નાથ પુરીની ચંદન યાત્રામાં ફટાકડાને લીધે થયો વિસ્ફોટને કારણે 15 જણ દાઝ્યા
ભુવનેશ્વરઃ ઓડિશાના જગન્નાથ પુરીમાં એક દુઃખદ ઘટના ઘટી હતી. બુધવારે રાત્રે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા પર્વ દરમિયાન બ્લાસ્ટ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, ચંદન યાત્રા પર્વ દરમિયાન ફટાકડાનો ઢગલો ફાટ્યો હતો, જેમાં લગભગ 15 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘાયલોને વહેલી તકે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું છે કે અકસ્માત સમયે નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ચંદન યાત્રા ઉત્સવ જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ભક્તોનું ટોળું ફટાકડા ફોડી રહ્યું હતું. પછી ફટાકડાના ઢગલા પર એક સ્પાર્ક પડ્યો, જેના કારણે વિસ્ફોટ થયો. સળગતા ફટાકડા લોકો પર પડવા લાગ્યા જેના કારણે ઘણા લોકો પોતાને બચાવવા માટે જળાશયમાં કૂદી પડ્યા હતા.
ઓડિશાના સીએમ નવીન પટનાયકે આ અકસ્માતની નોંધ લીધી છે. તેમણે કહ્યું કે પુરીમાં આ દુર્ઘટના વિશે સાંભળીને તેઓ દુખી છે. મુખ્ય વહીવટી સચિવ અને જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને વ્યવસ્થા પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સારવારનો ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ઉઠાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટના પર ટ્વીટ કર્યું અને કહ્યું કે પુરી ચંદન યાત્રા દરમિયાન નરેન્દ્ર પુષ્કરિણી દેવી ઘાટ પર થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર સાંભળીને દુખી છે. હું ભગવાનને ઈચ્છું છું કે જેમની સારવાર ચાલી રહી છે તેઓ જલદી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે.