કાશી વિશ્વનાથ ધામના દર્શને પહોંચ્યા13 કરોડ ભક્તો
વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બર 2021ના રોજ વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી અહીં આવનાર મુલાકાતીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો નોંધાઈ રહ્યો છે. 2021 થી 2023 સુધી એટલે કે છેલ્લા 2 વર્ષમાં જ 13 કરોડથી વધુ લોકો બાબા વિશ્વનાથ મંદિર પહોંચ્યા છે અને ત્યાં પૂજા કરી છે. આમાંથી, 16,000 થી વધુ વિદેશી મુલાકાતીઓ છે. આ આંકડા કાશી વિશ્વનાથ ધામ કોરિડોરના નિર્માણ પછીના છે.
કાશી વિશ્વનાથ ધામના CEOએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ ધામના વિકાસ બાદ અહીં રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટ્યા છે. આ આંકડા 13 ડિસેમ્બર, 2021 અને 6 ડિસેમ્બર, 2023 વચ્ચેના છે. આ દરમિયાન 15,930 વિદેશી મુલાકાતીઓ પણ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે 13 ડિસેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી છે.
તેમણે કહ્યું કે વારાણસીમાં જે રીતે રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે તેના કારણે વધુને વધુ મુલાકાતીઓ કાશીની મુલાકાતે આવી રહ્યા છે. અહીંયા ધાર્મિક પર્યટન અતિશય વિકાસ પામી ગયું છે. એમ લાગે છે જાણે સનાતન સંસ્કૃતિ ફરીથી જિવીત થઇ ગઇ છે. એમ માનવામાં આવે છે કે આગામી સમયમાં પણ અહીં લોકોનો એટલો જ ધસારો રહેશે, કારણ કે આપણા દેશમાં ટેમ્પલ ટુરિઝમ અને રિલિજિયસ ટુરિઝમ એક નવો જ અવતાર ધારણ કરી રહ્યું છે.
નોંધનીય છે કે અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ધામના દર્શન કરી ચુક્યા છે. 2019માં કાશી વિશ્વનાથ ધામમાં માત્ર 69 લાખ ભક્તો આવ્યા હતા. કાશી વિશ્વનાથ ધામના વિકાસને કારણે એકલા પ્રવાસન ક્ષેત્રમાં જ 34% વધુ રોજગારીની તકો ઉભી થઈ છે અને પ્રવાસન ક્ષેત્રે રોકાયેલા લોકોની આવકમાં 65% નો વધારો નોંધાયો છે. મંદિરનો વિસ્તાર અગાઉના 3000 ચોરસ ફૂટથી વધીને 5 લાખ ચોરસ ફૂટથી વધુ થઈ ગયો છે. અહીં 40 થી વધુ પ્રાચીન મંદિરોને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આપણે માત્ર 2022 અને 2023ની સરખામણી કરીએ તો 2022ની સરખામણીમાં 2023માં અહીં આવનાર મુલાકાતીઓની સંખ્યા લગભગ બમણી છે. તેમણે કહ્યું કે ધાર્મિક પર્યટનની દ્રષ્ટિએ આ એક મોટી ઉપલબ્ધિ છે. બે વર્ષમાં 12 કરોડ 92 લાખ 24 હજાર લોકોએ અહીં આવીને દર્શન કર્યા હતા.