128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

વારાણસીઃ પદ્મશ્રી બાબા શિવાનંદનું 128 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે વારાણસીની બીએચયુ હૉસ્પિટલમાં શનિવારે રાત્રે 8.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણ દિવસથી તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા. બાબા શિવાનંદે તેમનું સંપૂર્ણ જીવન યોગ સાધનામાં સમર્પિત કર્યું હતું. તેઓ સાદું જીવન જીવતા હતા અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું.
પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
21 માર્ચ, 2022ના રોજ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ પદ્મશ્રીથી સન્માનિત થનારા સૌથી મોટી ઉંમરના વ્યક્તિ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, યોગ સાધક અને કાશી નિવાસી શિવાનંદ બાબાના નિધનથી અત્યંત દુખ થયું છે. યોગ અને સાધનાને સમર્પિત તેમનું જીવન દેશની દરેક પેઢીને પ્રેરણા આપશે. યોગ દ્વારા સમાજની સેવા માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિવાનંદ બાબાનું શિવલોક પ્રયાણ સમસ્ત કાશીવાસીઓ અને તેમાંથી પ્રેરણા લેનારા કરોડો લોકો માટે ન પૂરી શકાય તેવી ખોટ છે.
બાબા શિવાનંદનો જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ શ્રીહટ્ટા જિલ્લા (હાલ બાંગ્લાદેશમાં)ના હરિપુર ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પરિવારમાં ચાર સભ્યો હતા. તેમના માતા-પિતા ભીખ માંગીને આખા પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું કહેવાય છે. 4 વર્ષની વયે શિવાનંદ બાબાને તેમના માતા-પિતાએ નવદ્વીર નિવાસી બાબા ઓંકારનંદ ગોસ્વામીને સમર્પિત કરી દીધા હતા. જ્યારે શિવાનંદ 6 વર્ષના હતા ત્યારે માતા-પિતા અને બહેનનું ભૂખમરાના કારણે નિધન થયું હતું. જે બાદ તેમણે તેના ગુરુના સાનિધ્યમાં આધ્યત્મનું શિક્ષણ લીધું અને તેમની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્ચનું પાલન કર્યું હતું.
એવું કહેવાય છે કે બાબા શિવાનંદ દરરોજ ફક્ત અડધું પેટ ભરાય તેટલું જ જમતા હતા અને બાફેલું ભોજન વધારે પ્રમાણમાં લેતા હતા. તેઓ ક્યારેય ગરમીમાં એસીમાં સૂતા નહોતા. શિયાળામાં હીટરનો ઉપયોગ પણ નહોતા કરતા. તેઓ હંમેશા જમીન પર સાદડી પાથરીને ઊંઘતા હતા તેઓ ક્યારેય બીમાર પડ્યા નહોતા તેવું કહેવાય છે. 2019 માં, જ્યારે તેમણે કોલકાતા અને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવી, ત્યારે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.
મહાકુંભમાં લગાવી હતી આસ્થાની ડૂબકી
બાબા શિવાનંદે આજીવન યોગ સાધના કરી હતી. તેઓ સાદું ભોજન લેતા અને યોગીઓ જેવી જીવનશૈલીનું પાલન કરતા હતા. તેઓ ગમે ત્યાં હોય પરંતુ ચૂંટણીના દિવસે વારાણસી આવીને તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરતા હતા. આ વર્ષે તેમણે પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી પણ લગાવી હતી.
આ પણ વાંચો….બદરીનાથના કપાટ ખુલ્યા, ભક્તો પર કરવામાં આવી પુષ્પવર્ષા