‘120 બહાદુર’ના મેકર્સે રેઝાંગ લાના વીરોનું કર્યું સન્માન: રાજનાથ સિંહેના હસ્તે કરાવ્યું આ વસ્તુનું અનાવરણ

નવી દિલ્હી: 1962માં થયેલા ભારત-ચીનના યુદ્ધ પર આધારિત એક ફિલ્મ આગામી સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઐતિહાસિક રેઝાંગ લા યુદ્ધ પર આધારિત આગામી યુદ્ધ ફિલ્મ “120 બહાદુર”ના નિર્માતાઓએ ભારતીય સેનાની 13મી બટાલિયન, કુમાઉ રેજિમેન્ટના બહાદુર સૈનિકોની વીરતાને સન્માન આપવા માટે એક વિશેષ “માય સ્ટેમ્પ” લોન્ચ કર્યું છે. આજે એટલે કે 13 નવેમ્બર, 2025ને ગુરુવારના રોજ નવી દિલ્હીમાં આ ખાસ પ્રસંગે માનનીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા આ કસ્ટમાઇઝ્ડ ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સૈનિકોની બહાદુરીને બિરદાવવાની પહેલ
આ સ્ટેમ્પ પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલા રેઝાંગ લા યુદ્ધ સ્મારક પર આધારિત છે. 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન રાષ્ટ્રની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોની અતૂટ હિંમત, બલિદાન અને ભાવનાને સલામ કરવા માટે રેઝાંગ લા યુદ્ધની 63મી વર્ષગાંઠ પહેલા આ પહેલ કરવામાં આવી છે.
લદ્દાખના ચુશુલમાં સ્થિત આ રેઝાંગ લા યુદ્ધ સ્મારક 13મી બટાલિયન, કુમાઉ રેજિમેન્ટના સૈનિકોની અસાધારણ બહાદુરીનું પ્રતીક છે અને ભાવિ પેઢીઓ માટે તેમના બલિદાનની યાદ અપાવે છે. આ પ્રસંગે ટપાલ સેવાના મહાનિર્દેશક શ્રી જીતેન્દ્ર ગુપ્તા ઉપરાંત ફિલ્મ નિર્માતા-અભિનેતા ફરહાન અખ્તર, રિતેશ સિધવાની, ડિરેક્ટર રજનીશ “રેઝી” ઘાઈ, અમિત ચંદ્રા અને અરહાન બગાતી પણ હાજર રહ્યા હતા.
120 બહાદુર: અસાધારણ બહાદુરીની વાર્તા
ફિલ્મ ‘120 બહાદુર’ આ અસાધારણ બહાદુરીની વાર્તા કહે છે, જેનું નેતૃત્વ મેજર શૈતાન સિંહ ભાટી, PVC કરે છે, જેમનું પાત્ર ફરહાન અખ્તર દ્વારા ભજવવામાં આવ્યું છે. આ ફિલ્મ 21 નવેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ “હમ પીછે નહીં હટેગે”ની અમર પંક્તિ સાથે ગુંજશે. રિતેશ સિધવાની, ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) અને અમિત ચંદ્રા (ટ્રિગર હેપ્પી સ્ટુડિયો) દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.



