જાતિગત ભેદભાવે 12 વર્ષના બાળકનો ભોગ લીધો! હિમાચલ પ્રદેશની ઘટનાથી ખળભળાટ

શિમલા: હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં જાતિગત ભેદભાવનો એક આઘાતજનક બનાવ બન્યો હતો. ચિદગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવર્ણ સમાજ દ્વારા જાતિ આધારિત ભેદભાવ અને ઉત્પીડનને કારણે અનુસુચિત જાતીના એક 12 વર્ષના એક છોકરાએ કથિત રીતે ઝેર પીને જીવન ટૂંકાવી લીધું હતું, આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને કહેવાતા આધુનિક સમાજમાં પણ પ્રવર્તતી વર્ણવ્યવસ્થા અંગે ચર્ચા જગાવી છે.
અહેવાલ અનુસાર ચિદગાંવ વિસ્તારમાં આ ઘટના બની હતી. મૃતક છોકરાના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ 16 સપ્ટેમ્બરના રોજ સાંજે લગભગ 7:30 વાગ્યે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેનો દીકરો પલંગ પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક રોહરુના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ શિમલા રિફર કર્યો. 17 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 1:30 વાગ્યે સારવાર દરમિયાન છોકરાનું મૃત્યુ થયું. હોસ્પિટલના જણાવ્યા મુજબ શરીરમાં ઝેરી પદાર્થને કારણે તેનું મોત નીપજ્યું.
મૃતકની માતાએ પોલીસને જણાવ્યું કે ગામની ત્રણ મહિલાઓએ તેના દીકરાને માર માર્યો હતો અને તેને ગૌશાળામાં બંધ કરી દીધો હતો. 16 તારીખે તેનો દીકરો આરોપી મહિલાની દુકાનમાં સામાન ખરીદવા ગયો હતો, પરંતુ મોડું થઇ જતા દુકાન બંધ થઈ ગઈ હતી, ત્યારે તે મહિલાના ઘરે પહોંચી ગયો હતો. સવર્ણ જાતિની મહિલાએ અનુસૂચિત જાતીના બાળકને ‘અશુદ્ધ’ કહીને માર માર્યો હતો અને અન્ય મહિલાઓ સાથે મળીને બાળકને ગૌશાળામાં બંધ કરી દીધો.
પોલીસ ફરિયાદ મુજબ ઘરના શુદ્ધિકરણ માટે આરોપી મહિલાએ બાળકના પરિવાર પાસેથી એક બકરીની માંગ કરી હતી. બાળક કોઈક રીતે ગૌશાળામાંથી ભાગી છૂટ્યો પણ પરંતુ એ સાંજે થયેલું અપમાન તે સહન ન કરી શક્યો અને આઘાતમાં સારી પડ્યો. પરિવારની ગેરહાજરીમાં તેણે ઝેર પી લીધું.
અગાઉ પોલીસે ભારતીય ન્યાય સંહિતા(BNS) ની કલમ 107, 127(2), 115(2), અને 3(5) હેઠળ કેસ નોંધ્યો હતો. બાદમાં જાતિ આધારિત ઉત્પીડન અને અસ્પૃશ્યતાનો મામલો જાણમાં આવતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમો પણ ઉમેરવામાં આવી.
જીલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં ધરપકડથી વાચવા માટે મુખ્ય આરોપી મહિલાએ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા છે, કોર્ટે પોલીસને 6 ઓક્ટોબરે કેસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેસના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…શિક્ષકોએ માનવતા નેવે મૂકી, હોમવર્ક ના કર્યું તો વિદ્યાર્થીને દોરડે બાંધી બારીએ ઊંધો લટકાવ્યો