
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહી મેક્સ અને રોડવેઝની બસ વચ્ચે ટક્કર થતાં સર્જાયેલ ભયાનક અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર છે. વિગતો અનુસાર મેક્સ કારમાં લગભગ 30 લોકો મુસાફરી કરી રહ્યા હતા અને આગ્રા-અલીગઢ નેશનલ હાઈવે પર સાંજના સમયે આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે, જેમાં 12 લોકોના મોત થયાના અહેવાલો છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો અકસ્માતમાં ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આજે શુક્રવારે સાંજે મેક્સ લોડર અને રોડવેઝની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માતની મળી રહેલી વિગતો અનુસાર મેક્સમાં લગભગ 30 જેટલા લોકો સવાર હતા અને તે બધા મુકુંદ ખેડાની તેરમી પર્વ મનાવીને ખંડૌલી નજીક સેવલા ગામ પરત ફરી રહ્યા હતા. આ ગંભીર દુર્ઘટના આગ્રા-અલીગઢ બાયપાસ પર મીતાઈ ગામ પાસે બની હતી. મૃતકોમાં પુરૂષો, મહિલાઓ તથા બાળકોનો સમાવેશ થાય છે.
પોલીસ અધિક્ષક નિપુણ અગ્રવાલે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સાસનીથી ખંડૌલી જઈ રહ્યા હતા. ચાલકને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર છે અને તેમને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.