
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટના અવિસ્મરણિય છે. આ દુર્ઘટના બાદ પાયલટ્સ પોતાના સ્વાસ્થ્યને લઈને સજાગ થયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સંસદના ચોમાસુ સત્રમાં એર ઈન્ડિયાના પાયલટ્સને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે.
112 પાયલટ્સે લીધી મેડિકલ લીવ
ચોમાસુ સત્રમાં લોકસભાના એક સભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો કે, એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ મોટી સંખ્યમાં પાયલટ્સ બીમાર થઈ રહ્યા છે. તેવી માહિતી આપવામાં આવી રહી છે. આ અંગે જવાબ આપતા નાગરિક વિમાન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, “મેડિકલ લીવ લેનાર એર ઈન્ડિયાના પાટલટોની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ 16 જુલાઈએ કુલ 112 પાયલટ્સના બીમાર થવાની માહિતી મળી છે. જે પૈકી 51 કમાન્ડર (પી1) અને 61 ફર્સ્ટ ઓફિસર(પી2) હતા.”
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય જમીન પર રહેલા 19 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ અંગે રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે વધુમાં જણાવ્યું હતું કે, “વિમાન દુર્ઘટનાને કારણે જમીન પર નાગરિકોને થયેલા નુકસાન માટે વળતર સંબંધિત કોઈ ચોક્કસ નીતિ નથી.”
આ સિવાય નાગરિક વિમાન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે એર લાઈન્સને બોમ્બથી ઉડાવવાની અપાયેલી ધમકીઓ, એર લાઈન્સ કંપનીઓના વિમાનોની ટેક્નિકલ ખામીઓ તથા એર ઈન્ડિયાના અધિકારી સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023માં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા જાહેર કરવામાં આવેલ મેડિકલ સર્ક્યુલરમાં પાયલટ્સના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિના પ્રતિકૂળ અસરોની જાણકારી મેળવવા માટે એક તાલીમ સત્રનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી હતી.