નેશનલશેર બજાર

સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો કડાકો રોકાણકારોના ₹ ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ સંકેત સાથે સ્થાનિક સ્તરે એચડીએફસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાનીએ તીવ્ર વેચવાલી થવાને કારણે સેન્સેકસમાં ૧૦૫૩ પોઈન્ટનો જબરદસ્ત ધબડકો જોવા મળ્યો છે. આજ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે.

સેન્સેક્સ ૧૦૫૩ પોઇન્ટના કડાકા સાથે ૭૦,૩૭૦.૫૫ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૩૩૦ પોઇન્ટના કડાકા સાથે ૨૧,૨૪૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયું હતું. નોંધવુ રહ્યું કે સવારે ખુલતા સત્રના ઉછાળા સાથે ભારતીય શેરબજાર હોંગકોંગને પાછળ મૂકી માર્કેટ કેપિટલની દ્રષ્ટીએ વિશ્ર્વનું સૌથી મોટું બજાર બન્યું હતું.

શેરબજારે સત્રની શરૂઆત જોરદાર થઈ હતી. સેન્સેકસ ખુલતા સત્રમાં ૬૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૨,૦૦૦ની સપાટી પાર કરી ગયો હતો, પરંતુ એચડીએફસી અને ઝી એન્ટ.ની આગેવાની હેઠળ જોરદાર વેચવાલી શરૂ થતાં સેન્સેકસ સત્રની ઊંચી સપાટી સામે ૧૬૦૦ પોઇન્ટ નીચે પટકાઈ ગયો હતો અને નિફ્ટી પણ ૨૧,૩૦૦ની નીચે સરકી ગયો હતો.

એચડીએફસીમાં તેના પરિણામની જાહેરાતથી ગબડી રહ્યો છે, જ્યારે ઝીલમાં સોનીએ છેડો ફાડી નાખ્યો હોવાથી ૨૭ ટકા સુધીનો કડાકો હતો, જે અંતે ૩૩ ટકા સુધી પહોંચ્યો. આ ઓછું હોય તેમ ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ ધોવાણ થતાં સેન્સેકસને વધુ ઝટકો લાગ્યો હતો. ઇન્ડેક્સને સૌથી વધુ નુકસાન એચડીએફસી અને રિલાયન્સને કારણે થયું છે.

દરમિયાન ખુલતા સત્રમાં એક નવો વિક્રમ પણ સર્જાયો હતો. ભારતીય શેરબજારે હોંગકોંગને પાછળ છોડીને વિશ્ર્વનું ચોથું સૌથી મોટા સ્ટોક માર્કેટનું સ્થાન મેળવી લીધું હતું. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મંગળવારના રોજ ભારતીય સ્ટોકનું માર્કેટ કેપિટલ હોંગકોંગના ૪.૨૯ ટ્રિલિયન ડોલરના સામે ૪.૩૩ ડોલર હતું. ભારતીય શેરબજારનું માર્કેટ કેપિટલ પાંચમી ડિસેમ્બરના રોજ પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું. જોકે, સત્રના અંત સુધીમાં માર્કેટ કેપિટલમાં આઠેક લાખ કરોડનું ધોવાણ થતાં આ વિક્રમ અધૂરો રહી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button