1,000 અમૃત ભારત ટ્રેનનું ઉત્પાદન કરાશે: રેલવે પ્રધાન

નવી દિલ્હી: રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે કહ્યું હતું કે ભારત ઓછામાં ઓછી 1,000 નવી જનરેશનની અમૃત ભારત ટ્રેનનું આગામી વર્ષોમાં ઉત્પાદન કરવામાં આવશે અને 250 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એવી ટ્રેનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
વૈષ્ણવે એમ પણ કહ્યું હતું કે રેલવે દ્વારા વંદે ભારતને એક્સપોર્ટ કરવા માટેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આગામી પાંચ વર્ષમાં ભારતમાંથી પહેલું એક્સપોર્ટ જોવા મળશે.
રેલવે દ્વારા નરેન્દ્ર મોદીના છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન પરિવર્તનની પહેલ કરવામાં આવી હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ -ચેનાબ બ્રિજ અને કોલકાતા મેટ્રો માટેની દેશની સૌથી પહેલી નદીની નીચેથી જતી વોટર ટનલ રેલવે સેક્ટરમાં અત્યંત નોંધપાત્ર તકનીકી પ્રગતીના ઉદાહરણ છે.
રેલવે બહોળી સામાજિક જવાબદારી ધરાવે છે. વર્ષે 700 કરોડ લોકોનું પરિવહન કરવામાં આવે છે. રોજના લગભગ અઢી કરોડ લોકો. ભાડાનું માળખું એવું છે કે એક વ્યક્તિના પરિવહનનો ખર્ચ રૂ. 100 આવે છે, તેની સામે અમે ફક્ત રૂ. 45 લઈએ છીએ. રેલવેમાં પ્રવાસ કરતી દરેક વ્યક્તિને સરેરાશ રૂ. પંચાવન (55)નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.
રેલવેના સામાન્ય લોકોને પરવડી શકે એવા દરમાળખા અંગે બોલતાં પ્રધાને કહ્યું હતું કે અમે વૈશ્વિક સ્તરની અમૃત ભારત ટ્રેન બનાવી છે. આ ટ્રેનમાં 1,000 કિલોમીટરની મુસાફરીની કિંમત ફક્ત રૂ. 454 રહેશે. આવા પ્રકારની પરવડી શકે તે પ્રકારની સગવડ રેલવે દ્વારા આપવામાં આવી રહી છે.
યુવાનોમાં વંદે ભારત ટ્રેન ઘણી લોકપ્રિય છે. લગભગ દર અઠવાડિયે એક વંદે ભારત ટ્રેન રેલવેના કાફલામાં સામેલ થઈ રહી છે. આગામી થોડા વર્ષમાં 400-500 ટ્રેનનું ઉત્પાદન કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)