નેશનલ

જયપુરમાં ૧૦૦ વર્ષ જૂની ‘જ્યોણાર’ પરંપરા જીવંત: ૫૦ હજાર લોકોએ દાળ-બાટી-ચુરમાની મજા માણી!

જયપુર: રાજસ્થાનના જયપુરમાં રાજાશાહીના સમયથી ચાલી આવતી સદીઓ જૂની પરંપરા ‘જ્યોણાર’ ફરી જીવંત બની છે. જ્યાં આયોજિત એક ભવ્ય સામૂહિક ભોજન સમારંભમાં લગભગ ૫૦ હજાર લોકોએ દેશી ઘીમાં બનેલા શુદ્ધ દાળ-બાટી-ચુરમાનો સ્વાદ માણ્યો હતો. આ આયોજન દ્વારા માત્ર ભોજન જ પીરસવામાં નહોતું આવ્યું, પરંતુ જયપુરની સાંસ્કૃતિક વિરાસત, લોક કલાઓ અને સામાજિક એકતાની ઝલક પણ જોવા મળી હતી. ૧૦૦ વર્ષ બાદ ફરી શરૂ થયેલા આ આયોજને રાજાશાહીની યાદોને ફરી તાજી કરી દીધી હતી.

કેવી રીતે આયોજન થયું ભવ્ય ભોજન સમારંભનું?
આ ભવ્ય ભોજન સમારંભમાં પ્રવેશ માટે ફક્ત કૂપન દ્વારા જ પરવાનગી આપવામાં આવી હતી, જે શહેરના મુખ્ય મંદિરોમાંથી વિતરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે, અહીં એક જ પાથરણા પર દરેક જાતિ, ધર્મ અને વર્ગના લોકો સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું. જયપુર નગર નિગમ હેરિટેજ મહાપૌર કુસુમ યાદવે સ્વયં પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર ભોજન પીરસવાનો જ નહીં, પરંતુ તમામ જાતિ-ધર્મ અને વર્ગોને એક જ પ્લેટફોર્મ પર લાવીને જયપુરની પરંપરા સાથે જોડવાનો છે.

જયપુરનું સાંસ્કૃતિક પ્રદર્શન અને વારસો
કાર્યક્રમ સ્થળે જયપુરની કળાઓ, હસ્તકલાઓ અને ઇતિહાસ સાથે જોડાયેલી ઝાંખીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આયોજકોનું માનવું છે કે, આનાથી નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક મૂળિયાં સાથે જોડાવાની તક મળશે અને તેમને શહેરના સમૃદ્ધ વારસા વિશે જાણવા મળશે.

વિશાળ આયોજન અને વ્યવસ્થા
આ ‘જ્યોણાર’ના આયોજન માટે ૫૦૦ જેટલા કંદોઈ અને ૨૦૦ સહાયક કર્મચારીઓ કામે લાગ્યા હતા. ભોજન તૈયાર કરવા માટે ૧૨,૫૦૦ કિલો લોટ-બેસન, ૧૫૦૦ કિલો દાળ, ૧૨૦૦ કિલો માવો, ૧૬૦ પીપ દેશી ગાયનું ઘી અને ૧૨૦૦ કિલો ખાંડ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વરસાદને ધ્યાનમાં રાખીને, આયોજન સ્થળે ત્રણ વોટરપ્રૂફ ડોમ લગાવવામાં આવ્યા હતા. જેમાં બે ડોમ ૩૩૦ ફૂટ લાંબા અને ૨૦૦ ફૂટ પહોળા હતા, જ્યારે એક ડોમ ૨૫૦ ફૂટ લાંબો અને ૫૦ ફૂટ પહોળો હતો. કુલ ૧૦૦૦ ટેબલ પર એક સાથે ૫૦૦૦ લોકો ટેબલ-ખુરશી પર બેસીને ભોજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

https://youtu.be/RVE3ESzu8sA?si=QItxsdRBGQAAcIRk

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button