મુંબઈ મહાનગરપાલિકાનું ૧૦.૫ ટકા વધુ રકમનું બજેટ
મુંબઈ: દેશની સૌથી વધુ શ્રીમંત નગરપાલિકા ‘બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકા’નું ૨૦૨૪-૨૫ના વર્ષ માટેનું રૂપિયા ૫૯,૯૫૪.૭૫ કરોડનું અંદાજપત્ર શુક્રવારે રજૂ કરાયું હતું.
બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૩-૨૪ના વર્ષ માટેનું રૂપિયા ૫૪,૨૫૬.૦૭ કરોડનું બજેટ હતું અને તેની સરખામણીમાં ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં રકમ ૧૦.૫ ટકા વધારાઇ છે. બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકાના વહીવટીતંત્રે વહીવટદાર મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલની સમક્ષ બજેટ રજૂ કર્યું હતું.
બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની પાંચ વર્ષની મુદત ૨૦૨૨ના માર્ચમાં પૂરી થઇ, તે પછી રાજ્ય સરકારે મહાનગરપાલિકાના વહીવટદારની નિમણૂક કરી હતી.
બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની પાંચ વર્ષની મુદત પૂરી થઇ, તે પછી મ્યુનિસિપાલિટીના વહીવટીતંત્રે વહીવટદાર સમક્ષ બજેટ રજૂ કર્યું હોવાની ઘટના ૧૯૮૫ પછી આ બીજી વખત બની છે. બજેટમાં મુંબઈ સાગર રસ્તા પ્રકલ્પ માટે રૂપિયા ૨,૯૦૦.૯૭ કરોડની ફાળવણી કરાઇ છે. આ ઉપરાંત, ‘શૂન્ય પ્રિસ્ક્રિપ્શન’ની નીતિ હેઠળ અત્યાવશ્યક સિવાયની બધી ઔષધ દવાખાના-હૉસ્પિટલમાંથી જ ઉપલબ્ધ કરાવવા એક યાદી તૈયાર કરાશે. ૨૦૯ કિમીના રસ્તાની સુધારણા કરાશે અને તેને કૉંક્રીટના કરાશે. મહાનગરમાં જૂના વાહનોના નિકાલ માટે નવું સ્ક્રેપયાર્ડ બનાવાશે.
અંદાજપત્રમાં ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષ માટે રૂપિયા ૫૯,૯૫૪.૭૫ કરોડની જોગવાઇ છે. આ રકમ આગલા વર્ષની સરખામણીમાં ૧૦.૫ ટકા વધુ છે. (એજન્સી)