દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1.2 કિલો સોનું જપ્તઃ જાણો સોનું ક્યાં છૂપાવ્યું હતું…

નવી દિલ્હીઃ કસ્ટમ્સ અધિકારીઓએ આજે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (આઈજીઆઈ) એરપોર્ટ પર એક મશીનના સ્પેરપાર્ટ્સમાં છૂપાવવામાં આવેલું 1.2 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
15 નવેમ્બરના સિંગાપોરથી આવેલા એક મુસાફરને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તે જે માલસામાનને લઈને આવ્યો હતો તેની અંદર આશરે 1.2 કિલો સોનું છૂપાવ્યું હતું.
કસ્ટમ્સ વિભાગે એક પોસ્ટમાં કહ્યું હતું કે મુસાફરે જણાવ્યું હતું કે તે મશીનના સ્પેરપાર્ટ્સનો બિઝનેસ કરતી એક કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કામ કરે છે અને 10.8 કિલો વજનનો એક કન્સાઇન્મેન્ટ આઈજીઆઈ એરપોર્ટના નવા કુરિયર ટર્મિનલ પર ક્લિયરન્સ માટે પેન્ડિંગ છે, જેના વિશે તે અહીં પહોંચ્યો છે.
વધુ પૂછપરછ દરમિયાન તેણે એ પણ જણાવ્યું હતું કે કન્સાઇનમેન્ટમાં સ્પેરપાર્ટ્સમાં આશરે 1.2 કિલો સોનું છૂપાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કન્સાઇન્મેન્ટને સ્કેન કરતી વખતે કેટલીક શંકાસ્પદ તસવીરો જોવા મળી હતી.
કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે “સામાનની વધુ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે મશીનના સ્પેરપાર્ટ્સમાં 1,200 ગ્રામ સોનું છૂપાવવામાં આવ્યું હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.



